PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

March 18, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભના ભવ્ય આયોજન મુદ્દે આજે સંસદમાં ભાષણ આપ્યું હતું. તેમણે મહાકુંભની સફળતા પર ખુશી વ્યક્ત કરી કહ્યું હતું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે, ગંગાને ધરતી પર લાવવા માટે એક ભગીરથ પ્રયાસ થયો હતો, તેવી જ રીતે મહાકુંભના મહાપ્રયાસમાં પણ જોવા મળ્યું.’ બીજીતરફ વડાપ્રધાનનું ભાષણ સમાપ્ત થતા જ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, ‘વડાપ્રધાન સંસદમાં ભાષણ આપવાના હતા, તેની અમને સમયસર માહિતી અપાઈ નથી.’

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા આક્ષેપ કર્યો કે, ‘સમગ્ર મુદ્દે વિપક્ષને બોલવા દેવાયા નથી. વડાપ્રધાને બેરોજગારી મુદ્દે બોલવું હતું, પરંતુ તેઓ કંઈપણ ન બોલ્યા. વડાપ્રધાન મોદીએ કુંભમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પવી જોઈતી હતી, પરંતુ તેમણે આવું ન કર્યું. કુંભ આપણી પરંપરા છે, ઈતિહાસ છે, સંસ્કૃતિ છે, જોકે અમારી ફરિયાદ છે કે, વડાપ્રધાન કુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે કંઈપણ ન બોલ્યા. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલી પણ ન અર્પી. કુંભમાં જનારા યુવાઓને વડાપ્રધાન પાસેથી રોજગારી જોઈએ. વડાપ્રધાન રોજગાર વિષે બોલવું હતું.’