એપસ્ટિન ફાઇલ્સની વધુ 68 તસવીર જાહેર, બિલ ગેટ્સ પણ એક મહિલા સાથે દેખાતા હોબાળો

December 19, 2025

 અમેરિકન કોંગ્રેસ દ્વારા પસાર થયેલા નવા કાયદા હેઠળ ‘ન્યાય વિભાગ’ (DOJ)ને જેફ્રી એપસ્ટિનની તપાસ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવાની ફરજ પાડવામાં આવી છે, જે હવે તબક્કાવાર જાહેર કરાઈ રહ્યા છે. 2019માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા. જેફ્રીની ભવ્ય જીવનશૈલી અને હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સાથેના સંબંધોએ આ કેસને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. ત્યારે હવે હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટ્સે ગુરુવારે જેફ્રી એપસ્ટિનની ફાઈલમાંથી મેળવેલી 68 તસવીરો જાહેર કરી છે. આ નવી તસવીરો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એપસ્ટિનની ફાઈલોનો મોટો જથ્થો જાહેર કરવાની સમયસીમાના એક દિવસ પહેલા આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, સંપૂર્ણ ફાઈલ હજુ આજે (19 ડિસેમ્બર) જાહેર કરવામાં આવશે.

ડેમોક્રેટ્સે જણાવ્યું કે આ તસવીરો ગયા અઠવાડિયે સમિતિને મળેલા 95,000 તસવીરોના સંગ્રહમાંથી લેવામાં આવી છે. આ રિલીઝ તસવીરોમાં વ્યક્તિના શરીર પર લખેલી "લોલિતા" નવલકથાની પંક્તિઓ, વિવિધ મુસાફરીના દસ્તાવેજો, રશિયાની 18 વર્ષની યુવતી વિશેના ટેક્સ્ટ મેસેજના સ્ક્રીનશોટ અને ઘણું બધું સામેલ છે. આ ફોટા ઓનલાઈન એક્સેસ કરી શકાય છે.

ડેમોક્રેટ્સે ગયા અઠવાડિયે પણ ડઝનબંધ ફોટા જાહેર કર્યા હતા, જેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન, વુડી એલન, બિલ ગેટ્સ અને અન્ય હાઈ-પ્રોફાઈલ હસ્તીઓ જોવા મળી હતી. જોકે, આ ફોટામાં દેખાતા કોઈપણ વ્યક્તિનો એપસ્ટિનના ગુનાઓમાં સીધો સંબંધ હોવાનું બહાર આવ્યું નથી.

રિપબ્લિકન અને વ્હાઇટ હાઉસે ડેમોક્રેટ્સ પર રાષ્ટ્રપ્રમુખને શરમાવવા અને "ખોટી નેરેટિવ" ઉભી કરવા માટે પસંદગીના (cherry-picking) ફોટા જાહેર કરવાનો આરોપ લગાવ્યો છે.