ટ્રમ્પે વિઝા અને પ્રવેશ નિયમો કડક કર્યા, વધુ 7 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ

December 17, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા અને પ્રવેશ નિયમોને વધુ કડક બનાવતાં મંગળવારે એક નવું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ નિર્ણય હેઠળ વધુ 7 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હવે કુલ 30થી વધુ દેશોના નાગરિકો પર સંપૂર્ણ અથવા આંશિક પ્રવેશ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

વહીવટીતંત્રનું કહેવું છે કે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા, નબળી સ્ક્રીનિંગ વ્યવસ્થા અને વિઝા ઓવરસ્ટે જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. નવા આદેશ અનુસાર બુર્કિના ફાસો, માલી, નાઇજર, દક્ષિણ સુદાન અને સીરિયા સહિત સાત દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ વિસ્તૃત પ્રતિબંધ 1 જાન્યુઆરીથી અમલમાં આવશે.

આ સાથે પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા મુસાફરી દસ્તાવેજો ધરાવતા લોકો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વહીવટીતંત્રનું માનવું છે કે ચાલુ સંઘર્ષ અને આતંકવાદી જૂથોની હાજરીને કારણે આવા પ્રવાસીઓની યોગ્ય તપાસ શક્ય નથી. લાઓસ અને સિએરા લિયોન, જે અગાઉ આંશિક પ્રતિબંધ હેઠળ હતા, તેમને પણ હવે સંપૂર્ણ પ્રતિબંધિત દેશોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.