સેન ફ્રાન્સિસ્કોમાં થયો ભીષણ અકસ્માત, અચાનક થંભી ગઇ કેબલ કારની રફ્તાર, 15 લોકો ઘાયલ

December 17, 2025

સેન ફ્રાન્સિસ્કોમાં એક ગંભીર અકસ્માત થયો છે. અહીં એક કેબલ કાર અચાનક અટકી જવાથી 12 કરતા વધુ લોકો ઘાયલ થયા છે. સેન ફ્રાન્સિસ્કો ફાયર ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે આ અકસ્માતમાં 15 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘાયલ વ્યક્તિઓ માંથી 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 11 લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે.

સેન ફ્રાન્સિસ્કો મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન એજન્સી પાસે કેબલ કાર ચલાવવાની જવાબદારી છે. એજન્સીએ જણાવ્યું કે તે આ ઘટનાની સક્રિય રીતે તપાસ કરી રહી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, કેબલ કાર અચાનક કેમ અટકી તેનો કોઈ સ્પષ્ટ કારણ હજી સુધી સામે આવ્યુ નથી. સેન ફ્રાન્સિસ્કોમાં કેબલ કારો પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે અને તેનો ઉલ્લેખ અનેક ગીતોમાં પણ કરવામાં આવ્યો છે.

કેબલ કારમાં મુસાફરો સીટ બેલ્ટ પહેરતા નથી. આ કાર ઘણી વખત આંશિક રીતે ખુલ્લી હોય છે. કેબલ કાર સૌપ્રથમ 1870ના દાયકામાં સેન ફ્રાન્સિસ્કોમાં શરૂ થઈ હતી અને 1960ના દાયકામાં તેમને રાષ્ટ્રીય ઐતિહાસિક સ્થળ જાહેર કરવામાં આવી હતી. હાલમાં શહેરમાં કેબલ કારની ત્રણ લાઇનો કાર્યરત છે.