PM મોદી મણિપુર જશે? 'VVIP' મહેમાનની સુરક્ષા માટે તંત્રમાં દોડધામ, બેઠકોનો દોર શરૂ

September 02, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ મિઝોરમ અને મણિપુરની મુલાકાત લેશે તેવા અહેવાલો મળ્યા છે. મણિપુરમાં કુકી અને મૈતી વચ્ચે ચાલી રહેલી હિંસા વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત અત્યંત મહત્ત્વની છે.  મીડિયા રિપોર્ટ અનુસાર, પીએમ મોદી પહેલાં મિઝોરમની મુલાકાત લેશે. જ્યાં બૈરાબી-સાંઈરંગ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી મિઝોરમમાં 51.38 કિમી લાંબી રેલવે લાઈનનું ઉદ્ધાટન કરશે. જે નોર્થ-ઈસ્ટ પ્રાંતમાં કનેક્ટિવિટી અને ઈકોનોમિક ઈન્ટેગ્રેશનને વેગ આપશે. નવી રેલવે લાઈન આઈઝોલ સાથે જોડાઈ આસામના સિલચર શહેરથી દેશના અન્ય હિસ્સા સાથે જોડાશે. મણિપુરની રાજધાની આઈઝોલ ખાતે સરકારી અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. મણિપુરમાં મે, 2023માં કુકી અને મૈતી વચ્ચે ફાટી નીકળેલી હિંસા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાતની અંતિમ રૂપરેખા જાહેર થઈ નથી. જેથી હજુ સુધી મુલાકાતની ખાતરી થઈ નથી.  મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી હિંસા પર અંકુશ લેવામાં સફળ ન રહેતાં રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી, 2025થી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.  મિઝોરમના ચીફ સેક્રેટરી ખીલ્લી રામ મીણાએ સોમવારે વિવિધ વિભાગો અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં પીએમની મુલાકાત માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીની સમીક્ષા પર ચર્ચા થઈ હતી. મીટિંગમાં ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા બંદોબસ્ત, રિસેપ્શન અને રસ્તાઓમાં શણગાર સહિતની મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.