NDAના 3 નેતા અને કેન્દ્રીય મંત્રી સામે પોલીસ ફરિયાદ, રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન ભારે પડ્યું!

September 18, 2024

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટા નિવેદનો આપવા NDAના નેતાઓને ભારે પડ્યું. રાહુલ ગાંધી વિરુદ્ધ 'વિવાદાસ્પદ અને ધમકીભર્યા નિવેદનો' આપવા બદલ કોંગ્રેસ નેતાએ NDA  3 નેતાઓ અને શિવસેના 1 નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.  AICCના કોષાધ્યક્ષ અને મહાસચિવ અજય માકને તુગલક રોડ પોલીસ સ્ટેશનના એસએચઓને ફરિયાદ આપી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, નિવેદનોનો હેતુ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સુરક્ષાને જોખમમાં નાખવી અને સમગ્ર દેશમાં શાંતિ ભંગ કરવાનો છે. AICCના કોષાધ્યક્ષ અને મહાસચિવ અજય માકને તુગલક રોડ પોલીસ સ્ટેશનના એસએચઓને આપેલી ફરિયાદમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ, ભાજપના નેતાઓ તરવિંદર સિંહ મારવાહ અને રઘુરાજ સિંહની સાથે-સાથે શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડની તાજેતરની ટિપ્પણીઓનો હવાલો આપ્યો છે. માકને નેતાઓ સામે FIR નોંધવાની માગ કરી છે. પોલીસ ફરિયાદ કર્યા બાદ માકને કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે, સ્વ. ઈન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધીએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેમ છતાં આ લોકો આ પ્રકારની ધમકીઓ આપી રહ્યા છે. ભારતમાં રાજકારણ આટલા નીચા સ્તરે ન જઈ શકે. માત્ર ભાજપના એક નેતા જ નહીં પરંતુ ઘણા નેતાઓએ એવી વાતો કહી છે પરંતુ ભાજપે કોઈ કાર્યવાહી ન કરી. રાહુલ ગાંધી એસસી, એસટી, ઓબીસી, આદિવાસી અને લઘુમતી વિશે વાત કરે છે. આ જ કારણ છે કે, ભાજપના લોકોને તેમની વાત પસંદ નથી આવતી. આ જ કારણોસર તેઓ તેમને ધમકાવી રહ્યા છે.  માકને આગળ કહ્યું કે, કોંગ્રેસ ડરી જનારી કે ઝૂકવા વાળી પાર્ટી નથી. પોલીસ ફરિયાદમાં માકને કહ્યું કે, 11 સપ્ટેમ્બરના રોજ મારવાહે ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ હત્યાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી સુધરી જાઓ નહીંતર આવનારા સમયમાં તમારા હાલ પણ તમારી દાદી જેવા જ થશે. ફરિયાદમાં શિવસેનાના ધારાસભ્ય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારને 11 લાખના ઈનામની જાહેરાત કરી હતી તેનો પણ હવાલો આપ્યો છે.