તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ

November 10, 2025

પાંચ વર્ષથી બનાવટી ઘીનો પુરવઠો પુરો પડાતો હતો


તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં પ્રસાદ તરીકે અપાતા લાડુમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. સીબીઆઈ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશ ટીમમાં જાણવા મળ્યું છે કે, ઉત્તરાખંડની ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ 2019થી 2024 વચ્ચે તિરુપતિ મંદિરને આશરે 68 લાખ કિલો નકલી ઘી પહોંચાડ્યું હતું. આ ઘીનું મૂલ્ય રૂ. 250 કરોડ જેટલું થવા જાય છે.
CBI-ની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઉત્તરાખંડ સ્થિત ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ પાંચ વર્ષના લાંબા ગાળા (2019-2024) દરમિયાન TTDને આશરે 68 લાખ કિલોગ્રામ બનાવટી ઘીનો પુરવઠો આપ્યો હતો. આ નકલી ઘીની બજાર કિંમત લગભગ 250 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એસઆઈટીએ ડેરીને કેમિકલની સપ્લાટ કરનાર અજય કુમાર સુગંધની ધરપકડ કર્યા બાદ આ માહિતી આપી છે. 
રિપોર્ટ મુજબ, ડેરીના પ્રમોટરો પોમિલ જૈન અને વિપિન જૈને દૂધનો એક ટીપું પણ ખરીદ્યા વગર આ આખું કૌભાંડ આચર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે ડેરીએ ક્યારેય સ્થાનિક દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ કે માખણની ખરીદી કરી ન હતી.

ડેરીએ અન્ય એક કંપનીના નામે દિલ્હી સ્થિત આયાતકારો પાસેથી મોટા પ્રમાણમાં ‘પામ ઓઈલ અને પામ કર્નલ ઓઈલ’ ખરીદ્યું હતું. ત્યારબાદ આ તેલને મોનોડિગ્લિસરાઈડ્સ, એસેટિક એસિડ એસ્ટર, લેક્ટિક એસિડ, બીટા કેરોટીન અને આર્ટિફિશિયલ ઘી એસેન્સ જેવા વિવિધ રસાયણો સાથે ભેળવીને 'નકલી દેશી ઘી' બનાવવામાં આવતું હતું. આ કૌભાંડને છુપાવવા માટે ડેરી પ્રમોટરોએ નકલી દૂધ ખરીદી અને ચૂકવણીના રેકોર્ડ્સ પણ ઊભા કર્યા હતા. SITએ આ કેસમાં રસાયણો પૂરા પાડનાર એક મુખ્ય આરોપી અજય કુમાર સુગંધની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓ સામે તપાસ ચાલુ છે. ધાર્મિક સંસ્થાને આ રીતે છેતરવાના કૃત્યથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.