ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને મોકલાશે નોટિસ

December 16, 2025

ગુજરાતમાં ભાગીને લગ્ન કરતા પ્રેમીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર હવે ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે. 
મળતી માહિતી મુજબ, બુધવારે (17 ડિસેમ્બર) મળનારી કેબિનેટ બેઠકમાં લગ્નના રજિસ્ટ્રેશન સંબંધિત નવા નિયમો રજૂ થઈ શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતા-પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. એટલે કે, પ્રેમ લગ્ન કરવા માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. પ્રેમ લગ્ન બાબતે માતા-પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે. જેમાં ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા-પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે. માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે. મંગળવારે (16 ડિસેમ્બર) સાંજે આ અંગે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશન અંગેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, જે બુધવારે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી શકે છે. આ ફેરફારો રાજ્યમાં પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણીની પ્રક્રિયા પર મોટી અસર કરી શકે છે.