વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાબરમતી આશ્રામ રિનોવેશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

March 11, 2024

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 12 માર્ચના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે અને 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રામ પુનઃ નિર્માણ પ્રોજેક્ટ'નો શુભારંભ કરશે. આ આશ્રામ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે. સાથે જ આ આશ્રામ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. આશ્રામભૂમિ વંદનાના આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

વડાપ્રધાન મોદી 12મી માર્ચે સવારે 9 વાગે સાબરમતી ડેડીકેટેટ ફ્રેઇટ કોરિડોર ખાતે જઈ ગુજરાતના તથા દેશના કેટલાક રેલવે પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે તો કેટલાકનું ખાતમુહૂર્ત કરશે. તેઓ ત્યાંથી કેટલીક નવી ટ્રેનોને લીલીઝંડી આપી શરૂ કરવાના પણ છે. પીએમ મોદીના રેલવેના કાર્યક્રમોમાં અમદાવાદ ડિવિઝનના કેટલાક ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તથા નવા ડીએફસીના સ્ટેશનોના ઉદ્ઘાટન પણ સમાવિષ્ટ છે. બાદમાં વડાપ્રધાન સાબરમતી આશ્રામ જશે અને રૂ.1,200 કરોડના ખર્ચે નવા રિનોવેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રામ અને અધિકૃત સ્થાપત્યો જાળવી રખાશે.