બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા : ચૂંટણી પંચ

August 01, 2025

દિલ્હી : ચૂંટણી પંચે શુક્રવારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર મત ચોરી કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પર ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ પ્રકારના પાયાવિહોણા આરોપોની અમે અવગણના કરીએ છીએ. 
ચૂંટણી પંચે નિવેદન જાહેર કરી જણાવ્યું કે, ચૂંટણી પંચ રોજબરોજ થતાં આ પ્રકારના પાયાવિહોણા આરોપોની અવગણના કરે છે. રોજ અમને આવી અનેક ધમકીઓ મળે છે. ચૂંટણી પંચના તમામ અધિકારીઓને આ પ્રકારના બિનજવાબદાર નિવેદનોને અવગણના કરવા સૂચન અપાયું છે. પારદર્શિતા અને નિષ્પક્ષ ધોરણે કામ કરતા રહો.
ચૂંટણી પંચે કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધીને આપત્તિ વ્યક્ત કરવા માટે બોલાવીએ છીએ, ત્યારે તે આવતા નથી. હવે પંચના કર્મચારીઓને ધમકાવી રહ્યા છે. 12 જૂન, 2025ના રોજ રાહુલ ગાંધીને ઈમેઈલ અને પત્ર મોકલ્યો હતો. પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો નહીં. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે, તેઓ પાયાવિહોણા આરોપો મૂકી પંચના કર્મચારીઓને ધમકારી રહ્યા છે. 


બિહારમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) હાથ ધરવાની ચૂંટણી પંચની કામગીરીથી કોંગ્રેસ સહિત વિપક્ષ સતત રોષ ઠાલવી રહ્યું છે. તે આ પ્રક્રિયા ભાજપ સાથેની મિલિભગત હેઠળ થઈ રહી હોવાના આરોપો પણ મૂકી રહ્યું છે. આ સિવાય આજે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ચોંકાવનારો મત ચોરીનો આરોપ મૂક્યો છે. 


રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મતોની ચોરીમાં ચૂંટણી પંચ સામેલ છે. અને હું ગંભીરતાપૂર્વક આ વાત કરી રહ્યો છું. હું 100 ટકા પુરાવા સાથે આ બોલી રહ્યો છું. આખા દેશને ખબર પડશે કે, ચૂંટણી પંચ મતોની ચોરી કરાવી રહ્યું છે. અને તે કોના માટે કામ કરી રહ્યું છે? ચૂંટણી પંચ ભાજપ માટે આ કામ કરી રહ્યું છે, આ ઓપન એન્ડ શટ છે, તેમાં કોઈ શંકા નથી. અમને મધ્યપ્રદેશમાં શંકા હતી, લોકસભામાં પણ શંકા હતી. મહારાષ્ટ્રમાં અમારી આ શંકા ગાઢ બની. અમને લાગ્યું કે, રાજ્ય સ્તરે મતોની ચોરી થઈ છે.