ઓસ્ટ્રેલિયન બોલરે હદ કરી! 1 ઓવરમાં ફેંક્યા 12 વાઈડ બોલ, પાકિસ્તાની ખેલાડી થયા ફ્રસ્ટેટ

July 30, 2025

ગ્રેસ રોડ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની 14મી મેચ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રમાઈ. આ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયને કાંગારૂ ટીમને 10 વિકેટે હરાવ્યું. ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન આખી મેચમાં નિરાશાજનક રહ્યું. જોકે, આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જોન હેસ્ટિંગ્સ ખૂબ ચર્ચામાં રહ્યો હતો, કારણ કે તેણે એક ઓવર 18 બોલની નાખી હતી, જોકે મેચ તો પૂરી થઈ ગઈ હતી પણ ઓવર પૂરી થઈ ન હતી. પાકિસ્તાન ચેમ્પિયનની ઇનિંગ્સની 8મી ઓવર નાખવા માટે જોન હેસ્ટિંગ્સ આવ્યો હતો. તે સમયે પાકિસ્તાનને જીતવા માટે 20 રનની જરૂર હતી. હેસ્ટિંગ્સે તે ઓવરમાં કુલ 18 બોલ નાખ્યા. તેમ છતાં, તે માત્ર 5 ઓફિશિયલ બોલ જ ફેંકી શક્યા હતા. 1 ઓવરમાં હેસ્ટિંગ્સે કુલ 12 વાઈડ બોલ અને 1 નો બોલ નાખ્યો હતો. આ ઓવરમાં હેસ્ટિંગ્સે કુલ 20 રન આપ્યા અને પાકિસ્તાન ચેમ્પિયન ટીમ 7.5 ઓવરમાં જ મેચ જીતી ગઈ. જો મેચની વાત કરીએ તો પાકિસ્તાન ચેમ્પિયનના કેપ્ટન શોએબ મલિકે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શોએબ મલિકનો આ નિર્ણય સાચો સાબિત થયો, કારણ કે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન ટીમ 11.5 ઓવરમાં 74 રનના સ્કોર પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સઈદ અજમલે 6 વિકેટ લઈને કાંગારૂ ટીમની કમર તોડી નાખી. ઇમાદ વસીમે પણ 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન તરફથી સૌથી વધુ 26 રન બેન ડંકે બનાવ્યા હતા. પાકિસ્તાન ચેમ્પિયનના ઓપનરો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે આઉટ થયા નહીં અને 75 રનનો સામાન્ય લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લીધો. શરજીલ ખાન 23 બોલમાં 32 રન અને શોએબ મકસૂદ 26 બોલમાં 28 રન બનાવીને અણનમ રહ્યા. તેમજ સઈદ અજમલને તેની ઘાતક બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.