અમેરિકા, ભારત અને ચીન ટ્રેડ વોર ટાળવા વાટાઘાટો માટે તૈયાર

April 21, 2025

નવી દિલ્હી/વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી દુનિયાના દેશો પર ટેરિફ બોમ્બ ફોડી 'આર્થિક પરમાણુ યુદ્ધ' શરૂ કરી દીધું હતું. જોકે, ટ્રમ્પે ૯૦ દેશો પર ટેરિફનો અમલ ૯૦ દિવસ પાછો ઠેલ્યા પછી પીછેહઠ કરી છે અને દુનિયાના મહત્વના દેશો સાથે વેપાર સોદા માટે વાટાઘાટો શરૂ કરી છે. ટ્રમ્પના ટેરિફનો ભારતમાં અમલ થયો નથી અને હવે ઉપપ્રમુખ જેડી વેન્સ દ્વિપક્ષીય વેપાર સોદાની વાટાઘાટો માટે ભારત આવી રહ્યા છે. બીજીબાજુ ભારતીય અધિકારીઓ અમેરિકા જઈ રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે ચીન પર ૨૪૫ ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કર્યા પછી તેની સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે. ચીન સાથે વાટાઘાટો ખૂબ જ સારી રહેશે તેવો પણ ટ્રમ્પે દાવો કર્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની  આગામી સપ્તાહથી ભારતની ચાર દિવસની મુલાકાત શરૂ થતાં પૂર્વે ભારત અને અમેરિકા વચ્ચે તેમના આગામી દ્વિપક્ષીય વેપાર કરાર માટેના માળખા પર સંમતી સધાઈ ગઈ હોવાનું અને બન્ને દેશો વચ્ચે આ આર્થિક સહયોગની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવાઈ ગયું હોવાનું જણાવાયું છે. આ વેપાર સોદામાં ગુડઝ, સર્વિસિઝ, રોકાણો અને કસ્ટમ પ્રક્રિયા જેવા ક્ષેત્રોને સ્પર્શતા લગભગ ૧૯ સેક્શન-વિભાગોનો સમાવેશ થવાની ધારણા બતાવાઈ રહી છે.
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ વેપાર સોદા માટે ભારત આવી રહ્યા છે ત્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટઘાટને આગળ વધારવા માટે આગામી સપ્તાહમાં એક વરિષ્ઠ ભારતીય પ્રતિનિધિમંડળ સોદાને અંતિમરૂપ આપવા માટે વોશિંગ્ટન જશે. અધિક સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ બુધવાર ૨૩, એપ્રિલથી ત્રણ દિવસની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચશે, જ્યાં બંને દેશ વચ્ચે પહેલી વ્યક્તિગત ચર્ચા હાથ ધરાશે. રાજેશ અગ્રવાલની ગઈકાલે જ આગામી  વાણિજ્ય સચિવ તરીકે નિમણૂંક થઈ હતી. તેઓ ૧, ઓકટોબરથી તેમની નવી ભૂમિકા સંભાળશે.