જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી

August 25, 2025

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 8.30 વાગ્યા સુધીમાં 190.4 મિ.મી વરસાદ સાથે ઓગસ્ટ મહિનાનો છેલ્લા 100 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ 5 ઓગસ્ટ, 1926માં સૌથી વધુ 228.6 મિ.મી વરસાદ પડ્યો હતો. જ્યારે 11 ઓગસ્ટ, 2022માં 189.6 મિ.મી વરસાદ વરસ્યો હતો. 

જમ્મુ શહેરમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. નદી-નાળા છલકાઈ જતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાનીપુર, રૂપ નગર, તાલાબ ટિલ્લુ, જ્વેલ ચોક, ન્યૂ પ્લોટ તથા સંજય નગર સહિત અનેક વિસ્તારોમાં પૂરના કારણે ઘરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ડઝનથી વધુ વાહનો પૂરમાં તણાઈ ગયા છે. 

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં 27 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં આભ ફાટવાની, પૂર અને ભુસ્ખલન થવાની પણ આગાહી કરી છે. સ્થાનિક વહીવટી તંત્રે જળાશયો તેમજ ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવા એડવાઈઝરી જાહેર કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવા નિર્દેશ આપ્યો છે. રાતભર ભારે વરસાદના કારણે જમ્મુના પઠાણકોટમાં નેશનલ હાઈવે પર સ્થિત એક બ્રિજને નુકસાન થયુ છે.