શેરબજારમાં આજે ઘટાડો:સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુ ગગડ્યો, તેના 30માંથી 24 શેરોમાં ઘટાડો

May 03, 2023

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવારે (3 મે)ના રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુ નીચે છે. તેના 30 શેરોમાંથી 24માં ઘટાડો જોવા મળી રહી છે અને માત્ર 6માં જ તેજી જોવા મળી રહી છે. અગાઉ સેન્સેક્સ 80 પોઈન્ટના ઘટાડા સાથે 61,274ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી પણ 34 પોઈન્ટ ઘટીને 18,113ના સ્તરે ખુલ્યો હતો.

અમેરિકામાં બેંકિંગ કટોકટીની તીવ્રતાએ બજારોના સેન્ટિમેન્ટને બગાડ્યું છે. અમેરિકી બજારો ગઈકાલે 1% કરતા વધુ નીચે હતા. તે જ સમયે, એશિયન બજારોમાં પણ નબળાઈ છે. હવે બજારોની નજર આજે રેટ અંગે ફેડના નિર્ણય પર રહેશે.

આ દરમિયાન કાચા તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ ડેટ ડિફોલ્ટની ચિંતાને કારણે ક્રૂડમાં 5%નો ઘટાડો થયો છે અને ક્રૂડની કિંમત $75ની આસપાસ ઘટી છે. WTI પણ $71.44 ની નીચી સપાટીએ પહોંચી ગયો છે. આજે પણ બ્રેન્ટ 76 ડોલરની નીચે ટ્રેડ કરી રહ્યું છે.યુએસમાં વ્યાજદર વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલ પર દબાણ આવ્યું છે.

અદાણી ટોટલ ગેસે મંગળવારે માર્ચ 2023માં પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. ક્વાર્ટરમાં કંપનીનો નફો 21% વધીને રૂ. 97.91 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં નફો રૂ. 81.09 કરોડ હતો.

કંપનીની આવક 10.2% વધીને રૂ. 1,114.8 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 1,012 કરોડ હતી. બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રતિ શેર 0.25 રૂપિયાના ડિવિડન્ડની પણ ભલામણ કરી છે.

અગાઉ ગઈકાલે એટલે કે 2 મેના રોજ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 242 પોઈન્ટના વધારા સાથે 61,354 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 82 પોઈન્ટ વધીને 18,147 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને માત્ર 14માં ઘટાડો થયો.