સિંગણપોરમાં વિકૃત માનસિકતા ધરાવતા રિક્ષાચાલકના ત્રાસથી ધો. 10ની વિદ્યાર્થિનીનો ફિનાઈલ પી આપઘાત પ્રયાસ

April 16, 2025

શહેરના સિંગણપોર વિસ્તારમાં કિશોરીએ આપઘાત કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં કિશોરી અને તેના પરિવારે જણાવ્યું કે પાડોશમાં રહેતા ભાવેશ સાથણીય નામનો શખ્સ સતત વિદ્યાર્થીનીને હેરાન કરતો હતો. પાડોશી હોવાના લીધે આખો દિવસ અવારનવાર આ શખ્સ કિશોરીની સામે આવતો હતો. 

જ્યારે પણ તે કિશોરીને સામે આવે ત્યારે પાડોશી ભાવેશ વિકૃત હરકતો કરતો હતો. ભાવેશ નામનો આ શખ્સ રિક્ષા ચાલક છે અને એટલે પોતાની મરજી મુજબ ધંધા પર જતો હતો. વિકૃત માનસિકતા ધરાવતો આ શખ્સ કિશોરીઓ અને સગીર બાળાઓને પોતાની હરકતોથી હેરાનપરેશાન કરતો હતો.

રિક્ષા ચાલક ભાવેશની વિકૃત હરકતો એટલી બધી વધી કે ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં આવી ગઈ. કિશોરી ઘરની બહાર નીકળવાનું ટાળવા લાગી. કારણ કે જ્યારે પણ કિશોરી ઘરની બહાર જતી ત્યારે આ શખ્સ તેની સામે આવી જાય અને બિભત્સ ચાળા કરવા લાગતો. કિશોરી ધોરણ-10માં અભ્યાસ કરતી હોવાથી વિકૃત વ્યક્તિની હરકતોના કારણે તેના અભ્યાસ પર પણ અસર થઈ. આખરે કિશોરી પાડોશી રીક્ષા ચાલકની હરકતોથી એટલી બધી ત્રાસી ગઈ કે તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.