રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં ફાંટા? કાઠી ક્ષત્રિય સમાજે માફી આપી

April 12, 2024

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. સમગ્ર ગુજરાતમાં સંમેલન, રેલી, પોસ્ટર દ્વારા વિરોધ, ગામમાં ભાજપ નેતાઓની પ્રવેશબંધી સહિતના વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. તો આગામી 14 એપ્રિલ 2024ના રોજ રાજકોટના રતનપર પર ખાતે ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન વડાપ્રધાન મોદીની સભા પહેલા યોજાશે. તો આ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાને માફી આપવામાં આવી છે. કાઠી ક્ષત્રિય સમાજ તરફથી રૂપાલા વિરૂદ્ધના આંદોલનનો અંત લવાયો છે. ત્યારે આ જોતા હાલ રૂપાલા વિરૂદ્ધના આંદોલનમાં ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.


રાજકોટમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું છે કે, 'કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને માફી પણ આપી છે. કાઠી સમાજની કોર કમિટીએ મળીને આ નિર્ણય લીધો છે. જે દરમિયાન ચોટીલા, અમરેલી, બોટાદ, રાજુલા, જૂનાગઢ સહિતના વિસ્તારોના કાઠી આગેવાનો હાજર રહ્યા હતા.'
કાઠી સમાજના અગ્રણી દ્વારા જણાવાયું છે કે, 'આજે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી. કાઠી ક્ષત્રિય સમાજ મળીને ભાજપ અને વડાપ્રધાન મોદીને સમર્થન આપે છે એ બદલ કાઠી સમાજ અને તમામનો આભાર માનું છું. અમારું ભાજપને પુરેપુરુ સમર્થન જ છે. 14 તારીખના કાર્યક્રમમાં કાઠી ક્ષત્રિય સમાજ ભાગ નહીં લે અને આગામી દિવસોમાં અમે આંદોલનમાં પણ નહીં જોડાઈએ. અમે ભાજપને તન મન અને ધનથી ટેકો આપીશું. રામ અમારા ઈષ્ટદેવ છે અને ભાજપે રામ મંદિર બનાવ્યું છે.'