સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ, ધક્કામુક્કી-નાસભાગમાં 20 લોકો ઈજાગ્રસ્ત

April 28, 2024

સુરત : ભારતમાં બોલિવૂડ ફિલ્મોનો ક્રેઝ ખૂબ જ છે અને ઘણીવાર ચાહકો પોતાના મનપસંદ અભિનેતા અને અભિનેત્રીની એક ઝલક જોવા માટે પડાપડી કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની હતી. શનિવારે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સુરત શહેરમાં પહોંચ્યા હતા. એક ખાનગી કાર્યક્રમમાં અભિનેતાએ હાજરી આપી હતી. રણબીર કપૂર સુરત (Surat)માં આવ્યા છે તેવા સામાચાર વાયુ વેગે લોકોમાં પહોંચતા જ તેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અભિનેતાને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે સલામતીના કારણોસર લોખડંના બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. તેમ છતાં ભીડ એટલી વધી ગઈ હતી કે ધક્કામુક્કીથી લોખડંના બેરિકેડ પણ તૂટી ગયા હતા. આ દરમિયાન લોકો એકની માથે એક પડ્યા હતા. જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે મોટી જાનહાની થઈ ન હતી.


અભિનેતા શહેરમાં એક જ્વેલરી શોરૂમના ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રણબીર કપૂરની એક ઝલક જોવા માટે લોકોએ ધક્કામુક્કી કરી હતી. આ કાર્યક્રમમા 50 પોલીસનો કાફલો તેમજ 40 ખાનગી ગાર્ડ અને સિક્યોરિટી તૈનાત હોવા છતાં ભીડ કબૂમાં રહી શકી ન હતી. એક સમયે તો ભારે ભીડને કારણે નાસભાગ (stampede) મચી ગઈ હતી. આ ઘટનાને પગલે અભિનેતા રણબીર કપૂર પત્રકાર પરિષદ કર્યા વગર જ રવાના થયા હતા.