ઈન્દોરમાં બજરંગ દળનું અટકચાળું, પોલીસ સામે જ નગર નિગમના કર્મચારીઓને માર્યા, સરકારી વાહનોમાં તોડફોડ

December 25, 2024

ઈન્દોર નગર નિગમના કર્મચારીઓ પર હુમલા અને વાહનોની તોડફોડની એક ગંભીર ઘટના સામે આવી છે. નગર નિગમના કર્મચારીઓ પર બજરંગદળના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. નગર નિગમની ટીમ ગેરકાયદેસર બનેલા તબેલાને તોડીને અનેક પશુઓને પકડીને બે વાહનોમાં ભરીને લઈ જઈ રહી હતી. આ દરમિયાન જ્યારે નગર નિગમની ટીમ રસ્તામાં હતી ત્યારે બજરંગ દળના કાર્યકરોએ વાહનોને અટકાવી દીધા હતા અને પથ્થરો અને લાકડીઓ દ્વારા તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસની સામે જ નગર નિગમ કર્મચારીઓને માર માર્યો હતો. આ હુમલામાં નગર નિગમના કર્મચારીઓને ઈજા પહોંચી છે. ઘટના સ્થળ પર પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. નગર નિગમના ડેપ્યુટી કમિશ્નરે આ હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. ઘટના એમ છે કે, ઈન્દોર નગર નિગમનો સ્ટાફ બુધવારે સવારે નંબર 14 પર દત્તા નગર અને સૂર્યદેવ નગરમાં બનેલા બે ગાયના તબેલામાં કાર્યવાહી કરવા માટે પહોંચ્યો હતો. જ્યાંથી ગાયો ભરીને કાનજી હાઉસ લઈ જવામાં આવી રહી હતી. જ્યારે નગર નિગમની ટીમ ટ્રકમાં ગાયોને લઈ જઈ રહી હતી ત્યારે બજરંગદળના 300થી 400 કાર્યકરોએ નગર નિગમના વાહનો અધવચ્ચે અટકાવ્યા હતા અને વાહનો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. વાહનોમાં તોડફોડ કરી અને નગર નિગમના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ પછી તેઓ દ્વારકાપુરી પોલીસ સ્ટેશન આવ્યા અને ભારે હોબાળો મચાવ્યો હતો.