જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મેડિકલ કોલેજમાં ગર્ભવતી મહિલાનું મોત, 5 ડૉક્ટરોને કરાયા સસ્પેન્ડ

December 25, 2024

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરકારી મેડિકલ કોલેજ (GMC)ના પાંચ ડૉક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણય ગર્ભવતી મહિલાના મોત બાદ લેવામાં આવ્યો છે. મોતની ઘટના બાદ હોસ્પિટલની બેદરકારી પર સવાલો ઉઠ્યા છે. રવિવારે બપોરના સમયે કોટરંકા તહસીલના બદહાલની રહેવાસી રાઝિમ અખ્તર (ઉ.35)નું રાજૌરીના જીએમસીમાં મૃત્યુ થઈ ગયું હતું. તે સાડા પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતી. અગાઉ તેની સારવાર કંડીની હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ બાદમાં તેને રાજૌરીના જીએમસીમાં રિફર કરવામાં આવી હતી.  આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ ડોકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બે ડોકટરો અને પેરામેડિક્સ અને સપોર્ટ સ્ટાફ સહિત અન્ય આઠ સ્ટાફ સભ્યોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા ડોકટરોમાં ડો. વિનુ ભારતી, ડો. નીતુ, ડૉ. શાકિર અહેમદ પારે, ડૉ. શફકતઉલ્લા અને ડૉ. અનીફ સલીમ રાથર સામેલ છે. મહિલાની સારવાર ચાલી રહી હતી ત્યારે આ તમામ ડૉક્ટરો ઈમરજન્સી વોર્ડમાં નાઈટ ડ્યુટી પર હતા.