દેશમાં શોકની લહેર, PM મોદી સહિતના અનેક રાજકીય નેતાઓએ દિવંગત ડૉ.મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ

December 27, 2024

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર ડૉ. મનમોહન સિંહનું આજે ગુરૂવારે તબિયત લથડ્યા બાદ 92 વર્ષની ઉંમરે નિધન થયું. દેશમાં શોકની લહેર પ્રસરી છે. કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડૂ, કિરેન રિજીજૂ, મહેબૂબા મુફ્તિ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, મમતા બેનર્જી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દિવંગત મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરી લખ્યું કે, 'પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજી એવા દુર્લભ રાજકારણીઓમાંના એક હતા. જેમણે શિક્ષણ અને વહીવટની દુનિયામાં સરળતા બનાવી રાખી હતી. જાહેર કચેરીઓમાં તેમની વિવિધ ભૂમિકાઓમાં તેમણે ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા, તેમના નિષ્કલંક રાજકીય જીવન અને તેમની અત્યંત નમ્રતા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમનું નિધન આપણા બધા માટે મોટી ખોટ છે. હું ભારતના મહાન પુત્રોમાંના એકને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ વ્યક્ત કરું છું.'


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, 'ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન પર શોખમાં છે. સાધારણ પૃષ્ઠભૂમિથી ઉભરીને તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ડૉ. મનમોહન સિંહજી અને હું ત્યારે નિયમિત રીતે વાત કરતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના અસંખ્ય ચાહકોની સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.'

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે 'X' પર લખ્યું કે, 'મનમોહન સિંહજીએ સમજદારીપૂર્વક અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્ત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં આજે મારા શિક્ષક અને માર્ગદર્શક ગુમાવ્યા. આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે.'

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મનમોહન સિંહને યાદ કર્યા અને તેમની 'X' પર પોસ્ટમાં લખ્યું કે, 'ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહજીના નિધનથી ખૂબ જ દુઃખ અનુભવુ છું. તેમણે મુશ્કેલ સમયમાં ભારતની અર્થવ્યવસ્થાના પુનઃનિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન-સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. ઓમ શાંતિ...'

ગૃહમંત્રી અમિત શાહે 'X' પર પોસ્ટમાં લખ્યું કે, 'પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરથી લઈને દેશના નાણામંત્રી સુધી અને વડાપ્રધાન તરીકે ડૉ. મનમોહન સિંહજીએ દેશના શાસનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હું આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. વાહેગુરુજી તેમની આત્માને મુક્તિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.'

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દિવંગત મનમોહન સિંહના નિધન પર 'X' પર પોસ્ટ શેર કરી શોક વ્યક્ત કરતા લખ્યું કે, 'ભારતના પૂર્વ વડા પ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે પોતાનું જીવન દેશને પ્રગતિ અને વંચિત વર્ગના ઉત્થાનના માર્ગ પર લઈ જવા માટે સમર્પિત કર્યું. ડૉ. મનમોહન સિંહજીનું જીવન પ્રતિષ્ઠિત નેતૃત્ત્વ, સાદગી, વિદ્વતા અને સેવાના પ્રતીક હતા. તેમના વિચારો અને કાર્યો દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તેમના પરિવાર અને અસંખ્ય ચાહકોને આ અપુરતી ખોટ પર મારી સંવેદના. તેમની યાદો હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. ઓમ શાંતિ.'

સપા પ્રમુખ અખિલેશ યાદવે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. તેમણે 'X' પર પોસ્ટમાં લખ્યું કે,  'સત્ય અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા મહાન અર્થશાસ્ત્રી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, એક આંતરરાષ્ટ્રીય અપૂર્વીય ખોટ. ભાવભરી શ્રદ્ધાંજલિ!'

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ શેર કરી શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, 'ભારતના પૂર્વ વડા પ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. વિવિધ જવાબદારીઓ સંભાળતી વખતે તેમણે દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.'