'CM વિરુદ્ધ કંઈ પણ બોલ્યા તો...' કોંગ્રેસી નેતાની અલ્લુ અર્જુનને ચેતવણી, પુષ્પા ફિલ્મ પર સવાલ ઊઠાવ્યા

December 25, 2024

નિઝામાબાદ (ગ્રામીણ) કોંગ્રેસના ધારાસભ્ય આર ભૂપતિ રેડ્ડીએ મંગળવારે અભિનેતા અલ્લુ અર્જુનને ચેતવણી આપી હતી કે જો અભિનેતા તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરશે તો તેની ફિલ્મોને રાજ્યમાં ચલાવવા દેવામાં આવશે નહીં. આર ભૂપતિ રેડ્ડીએ કહ્યું, 'કોંગ્રેસ ક્યારેય સિનેમા ઉદ્યોગની વિરુદ્ધ નથી રહી. કોંગ્રેસ સરકારોએ હૈદરાબાદમાં ફિલ્મ ઉદ્યોગ સ્થાપિત કરવા માટે ફિલ્મ હસ્તીઓને જમીન આપી હતી. પરંતુ 'પુષ્પા' જેવી ફિલ્મો સમાજ માટે ફાયદાકારક નથી. આ એક દાણચોરીની વાર્તા છે.' રેડ્ડીએ વધુમાં કહ્યું કે, 'અલ્લુ અર્જુન અમારા મુખ્યમંત્રી વિશે કંઈ પણ બોલો તે પહેલાં સાવધાન થઈ જાવ. તમે આંધ્રપ્રદેશના છો અને અહીં રહેવા આવ્યા છો. તેલંગાણામાં તમારું શું યોગદાન છે? અમે 100 ટકા ચેતવણી આપી રહ્યા છીએ જો તમે એવું નહિ કરો તો, અમે તમારી ફિલ્મો તેલંગાણામાં નહીં ચાલવા દઈએ.' 4 ડિસેમ્બરે 'પુષ્પા-2'ની સ્ક્રીનિંગ દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના અંગે અલ્લુ અર્જુનની ટીકા કરી હતી. રેડ્ડીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અલ્લુ અર્જુને પરમિશન વગર થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કર્યું હતું.