જામનગરના જશાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચિયન મિશનરીનો કાર્યક્રમ બંધ કરાવ્યો

December 26, 2024

જામનગર  : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જશાપર ગામમાં બુધવારે નાતાલની ઉજવણીના બહાને ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા મોટા પાયે ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચિંતાજનક માહિતી મળતાં હિન્દુ સેના દ્વારા તાત્કાલિક દોડી જઈ કાર્યક્રમને રોકાવી દઇ આવી પ્રવૃત્તિ બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. 

મિશનરીઓ દ્વારા સ્થાનિક મજૂરો અને નાના કામના લોકોને એકત્રિત કરી મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ પાર્ટી દ્વારા ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી. 

આ બાબતે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટને જાણ કરવામાં આવતાં તેમણે તાત્કાલિક ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતાને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ગૌરવભાઈ મહેતા અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો, અને ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ અટકાવી હતી. 

હિન્દુ સેનાના આ કાર્યને લઈને મિશનરીઓ અને હિન્દુ સેના વચ્ચે થોડો સમય માટે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાને પગલે ધ્રોલ તેમજ જોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાક વ્યક્તિઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલામાં જોડીયા પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.