'અદૃશ્ય તાકાતો મણિપુરમાં હિંસા માટે જવાબદાર, કંઈ બાકી નહીં રહે...' પૂર્વ ચીફ જસ્ટિસનો મોટો દાવો

December 25, 2024

મણિપુર હિંસા મામલે મણિપુર હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલે રાજ્યની સ્થિતિને તાત્કાલિક ધોરણે કાબૂમાં લેવાની જરૂરિયાત દર્શાવી છે. તેમજ તેમણે મણિપુરમાં અદૃશ્ય તાકાતો મણિપુરને ભડકે બાળી રહી છે, તે હિંસાને પ્રોત્સાહન આપી રહી હોવાનું જણાવ્યું છે. પૂર્વ ચીફ જસ્ટિસ મૃદુલે દિલ્હીની એક પેનલ ચર્ચામાં જણાવ્યું હતું કે, અમુક તત્ત્વો મણિપુરને સતત બળતું રાખવા માગે છે. હું આ વિચાર સાથે સહમત છું, સતત ચાલતી હિંસાની પાછળ એક અદૃશ્ય હાથ છે. આ હાથ કોનો છે, તે હજું સ્પષ્ટ થયું નથી. પરંતુ અમુક લોકો મણિપુરને બળતું જોવા માગે છે. મીડિયા સાથે ચર્ચામાં જસ્ટિસ મૃદુલે જણાવ્યું કે, મને લાગે છે કે, કોઈક સતત હિંસાને બળ આપી રહ્યું છે. જ્યારે પણ સ્થિતિ સામાન્ય થાય છે, ત્યાં અચાનક નવી હિંસાની લહેર આવી જાય છે. મને વિશ્વાસ છે કે, અમુક તાકતો આ ષડયંત્ર રચી રહી છે. આ તાકાત બાહ્ય અથવા સ્થાનિક હોઈ શકે છે. મણિપુરમાં જાતિય સંઘર્ષ છેલ્લા 19 મહિનાથી ચાલી રહ્યું છે. આ હિંસામાં કેન્દ્ર સરકારે વધુને વધુ સૈનિકો તૈનાત કરવા, અફસ્પા લાગુ કરવા તેમજ વિવિધ જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા અપીલ કરી છે. જો કે, સરકારે આ માગ સામે કોઈ ખાસ પગલાં લીધા નથી. મણિપુર હિંસામાં અત્યારસુધી 240થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જસ્ટિસ મૃદુલે જણાવ્યું કે, અમુક સમય માટે હિંસા થંભી જાય છે. પરંતુ મે મહિનાથી અત્યારસુધી મણિપુરમાં ક્યારેય સ્થિતિ સામાન્ય થઈ નથી. મેં અધિકારીઓ સાથે વાતચીત કરી હતી કે, ન્યાયપાલિકા કોઈપણ અડચણ વિના પોતાની કામગીરી ચાલુ રાખી શકશે કે નહીં. પરંતુ વાત કરતાં મને અનુભવ થયો કે, કોઈપણ વ્યક્તિ આ સ્થિતિ પર નિયંત્રણ ધરાવતું નથી.