ચંદ્ર પર માનવ અભિયાન મોકલવાની તૈયારી : ISROના ચેરમેન ડો. સોમનાથ

December 25, 2024

ભારતીય અંતરિક્ષ અનુસંધાન પરિષદ (ISRO)ના ચેરમેન ડૉ. સોમનાથે કહ્યું છે કે ભારત 2040માં ચંદ્ર પર લેન્ડિંગ કરશે. તેમણે કહ્યું હતું કે અમે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાના છીએ અને માનવીને ચંદ્ર પર લેન્ડ કરાવીશું. એટલું જ નહીં સ્પેસમાં ભારતનું સ્પેસ સ્ટેશન પણ 2035માં સ્થાપિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

સ્પેસ સ્ટેશન મોડયૂલનું લોન્ચિંગ 2028માં કરવામાં આવશે અને ત્યારબાદ તે પછીના સાત વર્ષમાં સ્પેસ સ્ટેશનનું અભિયાન પૂર્ણ થઈ જશે. ભારતના ચંદ્રયાન મિશનની સફળતા બાદ ઇશરોનું આ અભિયાન દુનિયાને સ્પેસમાં ભારતની ક્ષમતા દેખાડશે. એસ.સોમનાથે કહ્યું હતું કે આગામી 15 વર્ષનો રોડમેપ અમે તૈયાર કરી લીધો છે અને લોંગ ટર્મ વિઝનની સાથે પ્રયાસ કરી રહ્યા છીએ.

કેન્દ્ર સરકાર દ્વારા ઇસરોને 31 હજાર કરોડનું ફંડ જારી કરાયું છે. તે વિશે વાત કરતા ISRO પ્રમુખે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ વર્ષ અમારા માટે ખૂબ જ શાનદાર રહેશે. અમે અમારા મિશનોને આગળ વધારીશું. તે સિવાય પીએમના વિઝનના આધારે પણ આગળનો રોડમેપ તૈયાર કરીશું. સ્પેસ પ્રોગ્રામના ઇતિહાસમાં આપણી પાસે પહેલીવાર આગામી 25 વર્ષનો પ્લાન તૈયાર છે. આ પ્લાન હેઠળ ભારત સ્પેસ સ્ટેશન સ્થાપિત કરનાર છે, જેનો પ્રારંભ 2028થી થશે.