સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં રાખવી જરૂરી નહીં, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા

December 02, 2025

સંચાર સાથી એપ અંગે વિવાદ વચ્ચે સરકારે કહ્યું છે કે આ ઍપ્લિકેશન ફોનમાં રાખવી જરૂરી નથી. યુઝર્સ તેને ડિલીટ પણ કરી શકશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે આ માહિતી આપી હતી. ટેલિકોમ વિભાગે નવેમ્બરમાં નિર્દેશ જાહેર કર્યા હતા કે ભારતમાં વપરાતા ફોનમાં સંચાર સાથી ઍપ્લિકેશન ફરજિયાત રાખવી પડશે. વિપક્ષે આ એપના માધ્યમથી જાસૂસી થશે તેવી આશંકા વ્યક્ત કરતાં વિરોધ નોંધાવ્યો હતો. સિંધિયાએ કહ્યું, "આ એપના આધારે કોઈ જાસૂસી કે કોલ મોનિટરિંગ નથી થવાનું. જો તમે ઇચ્છો તો તેને એક્ટિવ રાખી શકો. જો તમે ન ઇચ્છો તો તેને એક્ટિવ ના કરશો. જો તમે તેને તમારા ફોનમાં રાખવા માંગતા હોવ તો રાખો. જો તમે તેને કાઢી નાખવા માંગતા હોવ તો કાઢી નાખો...તેમાં કોઈ સમસ્યા નથી." તેમણે કહ્યું, "આ ગ્રાહક સુરક્ષાનો મામલો છે... જો તમે તેને કાઢી નાખવા માંગતા હો, તો તમે તેને કાઢી શકો છો. તે ફરજિયાત નથી. જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવા માંગતા હો, તો તેના પર રજિસ્ટર્ડ ન કરતા. પરંતુ દેશમાં દરેકને ખબર નથી કે આ એપ્લિકેશન ચોરી અને છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે છે. આ એપ્લિકેશન દરેકને ઉપલબ્ધ કરાવવાની અમારી જવાબદારી છે. જો તમે તેને કાઢી નાખવા માંગતા હો, તો તેને કાઢી નાખો.