ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાનો સેટેલાઇટ ડેટામાં ઘટસ્ફોટ

May 27, 2025

બેજિંગ : ભારતે પાકિસ્તાનનું પાણી અટકાવતા હવે ચીન ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. સેટેલાઇટ આધારિત રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે ચીન ગુપ્ત રીતે ભારત તરફ આવી રહેલા પાણીને અટકાવવા લાગ્યું છે. ભૌગોલિક બાબતોના નિષ્ણાત ડો. નિત્યાનંદે ચીનના આ કાવતરાના પુરાવા તરીકે સેટેલાઇટ ડેટા જાહેર કર્યા હતા.  એક્સ (ટ્વિટર) પર નાસાના પૂર્વ સ્ટેશન મેનેજર નિત્યાનંદે પોતાના સંશોધનનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે ચીનથી ભારત તરફ વહેતી સતલુજ નદીના પાણીના પ્રમાણમાં છેલ્લા પાંચ વર્ષમાં ૭૫ ટકાનો ઘટાડો થયો છે. અને ૮૦૦૦ ગીગાલિટરેથી ઘટીને ૨૦૦૦ ગીગાલિટર પર આવી ગયું છે. આ સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે શું ચીને ભારતનું પાણી કાબુમાં કરી લીધુ છે? જોકે તેમણે પાણી ઘટના પાછળના બે કારણો આપ્યા હતા, તેમણે કહ્યું હતું કે ચીન દ્વારા પાણી રોકવા કે બીજી દિશામાં વાળી લેવાથી ઘટાડો થયો હોઇ શકે છે અથવા તો કુદરતી રીતે ઘટાડો થયો હોઇ શકે છે. ચીન તિબેટમાં ગાદા ગોર્જમાં બાંધ અને હાઇડ્રોઇલેક્ટ્રિક બાંધકામ તૈયાર કરી રહ્યું છે. ચીન પોતાના માટે આ સુવિધા ઉભી કરીને ભારત તરફ વહેતા પાણીનો પ્રવાહ ઘટાડી શકે છે. ચીન અને ભારત વચ્ચે પાણીને લઇને કોઇ કરાર નથી જેને પગલે હાલ માત્ર ડેટાના આધારે જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચીનની આ ચાલ એવા સમયે સામે આવી છે જ્યારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને અટકાવી દેવાયા છે અને પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવામાં આવી રહ્યું છે. જોકે એવા પણ રિપોર્ટ છે કે સતલુજનું પાણી ગ્લેસિયરના પીગળવા અને હિમવર્ષા પર નિર્ભર છે. જોકે એક સંશોધન જણાવે છે કે નદી ગ્લેસિયર પરની પોતાની નિર્ભરતાને ૧૯૮૦થી ૨૧ ટકા ઘટાડી ચુકી છે.