દસ હજાર વર્ષ પૂર્વે નામશેષ થયેલાં સફેદ વરૂને વિજ્ઞાનીઓએ જનીન ઇજનેરી દ્વારા સજીવન કર્યાં

April 09, 2025

વોશિંગ્ટન : આજે જોવા મળતાં ગ્રે વરૂ કરતાં કદમાં ઘણાં મોટાં અને ૧૦,૦૦૦ વર્ષ અગાઉ નામશેષ થઇ ગયેલાં ડિરે વોલ્વ્ઝ યાને સફેદ વરૂને કોલોસલ બાયોસાયન્સીઝ કંપનીના સંશોધકો દ્વારા જનીન ઇજનેરી દ્વારા સજીવન કરવામાં આવ્યા છે. યુએસમાં એક અજ્ઞાત સ્થળે રાખવામાં આવેલાં આ ત્રણ સફેદ વરૂઓ લાંબા સફેદ વાળ ધરાવે છે અને તેમની વય ત્રણથી છ મહિનાની છે. આ વરૂઓનું વજન હાલ આશરે ૮૦ પાઉન્ડ છે જે પુખ્ત વય સુધીમાં વધીને ૧૪૦ પાઉન્ડ થઇ જશે. યુએસના વિજ્ઞાનીઓએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે નેચરલ હિસ્ટરી મ્યુઝિયમમાંથી ડિરે વોલ્ફના ૧૩,૦૦૦ વર્ષ જૂના દાંત અને ઇડાહોમાંથી મળી આવેલી ૭૨,૦૦૦ વર્ષ જુની ખોપડીના હિસ્સાનો અભ્યાસ કરી તેના ડીએનએ મારફતે આ વરૂની ખાસિયતોનો અભ્યાસ કર્યો હતો. એ પછી વિજ્ઞાનીઓએ જીવતાં ગ્રે વરૂમાંથી રક્તકોષ લઇ સીઆરઆઇએસપીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરી વીસ અલગ અલગ સ્થળે તેમાં જનીન ઇજનેરી દ્વારા સુધારાવધારા કર્યા હતા. કોલોસલ કંપનીના મુખ્ય વિજ્ઞાની બેથ શેપિરોએ જણાવ્યું હતું કે એ પછી આ જનીન સામગ્રીને પાળેલી કૂતરીમાંથી મેળવવામાં આવેલાં અંડકોષમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ પછી પાળેલી કૂતરીના ગર્ભાશયમાં આ ગર્ભ ટ્રાન્સફર  કરવામાં આવ્યો હતો. ૬૨ દિવસ બાદ તેમાંથી જનીન ઇજનેરીનો ચમત્કાર સમાન આ ત્રણ સફેદ વરૂઓનો જન્મ થયો હતો.