1 ડિસેમ્બરે કેનેડાનાં એરપોર્ટસ ઉપર એરઇંડિયાની ફ્લાઇટ્સ સામે વિકેટિંગ કરવા SFJનો આદેશ

November 23, 2023

ટોરોન્ટો : અલગતાવાદી સંગઠન શિખ્સ ફોર જસ્ટિસે (SFJ) ખાલીસ્તાન તરફી સહુકોઇને ૧લી ડીસેમ્બરે ટોરોન્ટો તથા વાનકુવરથી ઉપડતી એર ઇંડીયાની દરેક ફ્લાઇટ્સ સામે વિકેટિંગ કરવા આદેશ આપ્યો છે.

નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એન.આઈ.એ.)એ આ અલગતાવાદી સંગઠન ઉપર આઈ.પી.સી. તથા અનલોફલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ નીચે તા. ૨૦મી નવેમ્બરે આરોપો મુક્યા પછી તુરત જ એસ.એફ.જેના કાઉન્સેલ જનરલ ગુરપતવંતસિંઘ પન્નુને આ આદેશ જાહેર કર્યો હતો. સાથે તેણે મંગળવારે સાંજે સફાઈ મારી હતી કે તેણે શિખોને એર ઇંડિયાની ફ્લાઇટ્સનો બહિષ્કાર કરવાનો જ આદેશ આપ્યો છે. સાથે કહ્યું હતું કે હા ! એરઇન્ડિયાની કાર્યવાહીઓ શિખોનાં જીવન સામેનાં જોખમરૂપ બની રહી છે.
જો કે પત્રકારોએ ટ્રાવેલ એજન્સીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે આવા આદેશથી કેનેડા માટેનાં એર ઇંડીયાનાં બુકીંગ્સ ઉપર હજી ખાસ અસર થઇ નથી.

આ પૂર્વે પન્નુને શિખોને પંજાબી (ગુરમુખી) ભાષામાં ઉપર જણાવ્યું હતું કે ૧૯મી નવેમ્બર પછી તમે એર ઇંડીયામાં પ્રવાસ ન કરશો. નહીં તો તમારા જાન સામે જોખમ ઊભું થશે. આ સાથે તેણે શિખોને વાનકુવરથી લંડન સુધી એર ઇંડિયાનો બહિષ્કાર કરવા તથા વૈશ્વિક બહિષ્કાર કરવા જણાવતાં વધુમાં કહ્યું હતું કે આ દ્વારા તેઓ કોઈ ધમકી ઉચ્ચારી રહ્યા નથી.

આમ છતાં કેનેડા સ્થિત ભારતનાં હાઈ-કમિશને કેનેડાની સરકારને આ ધમકી વિષે જાણ કરતાં સહકારે રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)ને તૈયાર રહેવાની સૂચના આપી છે. સાથે કેનેડાની ટ્રાન્સપોર્ટ મીનીસ્ટ્રીએ કેનેડાનાં એરપોર્ટસ ઉપર સલામતી મજબૂત કરવા જણાવી આદેશ આપી દીધો છે.

શિખ અલગતાવાદીઓ દ્વારા એર ઇંડિયાનાં વિમાનોને નિશાન બનાવ્યાં હોવાની યાદો આ સાથે તાજી થાય છે. જૂન ૨૩, ૧૯૮૫ના દિવસે એર ઇંડિયાની ફ્લાઇટનં. ૧૮૨નાં વિમાન કનિષ્કને ખાલીસ્તાનવાદીઓએ ઉડાડી દીધું હતું. જેમાં ૩૨૯ના જાન ગયા હતા. જ્યારે ટોક્યોનાં નારિતા એરપોર્ટ ઉપર બાંબુમાં રખાયેલો વિસ્ફોટક ફાટતાં બેગેજ હેન્ડલ કરનારા બે મજૂરોનાં મૃત્યુ થયાં હતાં.


ઉલ્લેખનીય છે કે જૂનની ૨૩મીએ બનેલી કનિષ્ક વિમાનની દુર્ઘટનાના તે દિવસને ભારતીયો શોક દિવસ તરીકે પાળે છે. તે માટે સ્મરણ તરીકે એક સ્મારક પણ રચ્યું છે. તે સામે ખાલીસ્તાન તરફી તત્ત્વોએ તે ઘટનાના માસ્ટર માઇન્ડ તલવિંદર સિંઘને મહાન ગણે છે. અને તેની સ્મૃતિમાં તે દિવસે રેલીઓ કાઢે છે. આ વર્ષે પણ ૨૩ જૂને ખાલીસ્તાન તરફી જૂથોએ રેલીઓ યોજી હતી.