ઉદયપુરમાં શોકિંગ ઘટના: ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ, CEO સહિત 3ની ધરપકડ

December 26, 2025

જિલ્લા પોલીસ અધિક્ષક (SP) યોગેશ ગોયલે જણાવ્યું કે, 'પીડિતાના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતા તપાસ એડિશનલ એસપી માધુરી વર્માને સોંપવામાં આવી છે.' પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓમાં આઇટી કંપનીના સીઇઓ જીતેશ, તેમની મહિલા સહકાર્યકર, એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા અને તેમના પતિ ગૌરવનો સમાવેશ થાય છે. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

પોલીસના જણાવ્યાનુસાર, ઉદયપુરના શોભાગપુરા વિસ્તારની એક હોટલમાં કંપનીના સીઈઓનો જન્મદિવસ અને નવા વર્ષની પાર્ટી રાખવામાં આવી હતી. રાતે 1:30 વાગ્યે પાર્ટી પૂરી થયા બાદ પીડિતાની તબિયત લથડી હતી. મહિલા એક્ઝિક્યુટિવ હેડ શિલ્પાએ તેને ઘરે છોડવાના બહાને પોતાની સાથે ‘આફ્ટર પાર્ટી’માં આવવા દબાણ કર્યું હતું.

રાત્રે 1:45 વાગ્યે પીડિતાને બળજબરીથી કારમાં બેસાડવામાં આવી હતી. કારમાં સીઈઓ જીતેશ અને ગૌરવ પહેલેથી હાજર હતા. રસ્તામાં પીડિતાને નશાકારક ધૂમ્રપાન કરાવી બેભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે છેડતી તથા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.