Breaking News :

કેનેડાના ટોરોન્ટોમાં સાલ્સા ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 2ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

July 13, 2026

કેનેડાના ટોરોન્ટોમાં ચાલી રહેલા પ્રખ્યાત ‘સાલ્સા ઓન સેન્ટ ક્લેયર’ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે ઉત્સવમાં હાજર હજારો લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે લોકો દોડાદોડ કરવા લાગ્યા હતા.

ટોરોન્ટો પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારની ઘટના સેન્ટ ક્લેયર એવેન્યુ વેસ્ટ અને અર્લિંગ્ટન એવેન્યુ નજીક બની હતી. લૅટિનો સંસ્કૃતિ આધારિત આ ફેસ્ટિવલની આ વર્ષે 22મી આવૃત્તિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો લાઈવ સંગીત, નૃત્ય અને વિવિધ વાનગીઓની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગોળીઓના અવાજ સંભળાતા સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, લોકોએ એકબીજાને જમીન પર સૂઈ જવાની બૂમો પાડી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. શરૂઆતમાં પોલીસે સંભવિત ‘એક્ટિવ શૂટર’ અંગે ચેતવણી જાહેર કરીને લોકોને વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી હતી. બાદમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું હતું. જોકે, ગોળીબાર કરનાર શંકાસ્પદ હુમલાખોરો હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. તેમને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.