ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યા; પ્રેમસંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ

January 24, 2026

એક બાજુ, ગુજરાતમાં વિકાસનું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવેલી છે ત્યારે બીજી બાજુ, દેવું, આર્થિક સંકડામણને કારણે લોકો પરિવાર સાથે જીવન લીલા સંકેલવા મજબૂર બન્યાં છે. છેલ્લાં બે વર્ષમાં 42 પરિવારો એ સામૂહિક આત્મહત્યા કરી છે. ચિંતાજનક બાબતો એ છે કે, ગુજરાતમાં રોજ સરેરાશ 25 લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે.

કારમી મોઘવારીમાં જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યાં છે. બેરોજગારી અનેઆર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાનાકિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યાં છે. ત્રણ વર્ષમાં 25,478 લોકોએ આત્મહત્યા કરી છે જેમાં અમદાવાદ, સુરત, રાજકોટમાં સૌથી વધુ આપઘાતના કિસ્સા નોંધાયા છે. 

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 9,000 લોકોએ આત્મહત્યા કરી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ મુજબ, વર્ષ 2023માં આત્મહત્યા કરનારાઓમાં 6,260 પુરુષો, 2,685 મહિલાઓ અને 3 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ગરીબીના કારણે 67  લોકોએ આત્મહત્યા કરી, બેરોજગારી 207 આત્મહત્યાઓનું કારણ બની હતી. આત્મહત્યાનું મુખ્ય કારણ બીમારી પણ બની છે.

સરેરાશ દરરોજ પાંચ લોકો બીમારીને કારણે આત્મહત્યા કરે છે. આ ઉપરાંત પ્રેમ સંબંધ, આર્થિક સંકટ, બીમારી, માનસિક તણાવ પણ મુખ્ય પરિબળ છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓમાં વધારો થયો છે. છેલ્લાં 3 વર્ષમાં 495 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ ઉપરાંત મજૂરોમાં આત્મહત્યાઓમાં 50 ટકાનો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ ઓછા વેતન અને સામાજિક સુરક્ષાનો અભાવ છે. આમ ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.