સાઉથના સુપર સ્ટાર વિજય થાલાપથીનો રાજકારણમાં પ્રવેશ

October 28, 2024

પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા વિજયે રાજકારણમાં એન્ટ્રી સાથે વિલ્લુપુરમ જિલ્લામાં એક અદભૂત રાજકીય રેલી યોજી હતી. આ કાર્યક્રમમાં વિજયે તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ની વિચારધારા અને ધ્યેયો શેર કર્યા અને લાખો સમર્થકોને તેમના સંકલ્પ વિશે વિગતવાર સમજાવ્યું હતું.

વિજયે રેલીમાં ભાર મૂક્યો હતો કે તમિલને અદાલતો અને મંદિરોની ભાષા તરીકે માન્યતા આપવી જોઈએ. આ માત્ર ભાષાનો પ્રશ્ન નથી, પરંતુ તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનું અભિયાન છે. પાર્ટીનો ધ્વજ લહેરાવીને તેમણે સમર્થકોને ઉત્સાહભેર સંબોધિત કર્યા.

વિજયે પોતાના સંબોધનમાં કહ્યું કે, "આપણું કર્તવ્ય છે કે આપણે આપણી વિચારધારાને લોકો સુધી પહોંચાડીએ અને તે નેતાઓને તેમની સમક્ષ રજૂ કરીએ જેમણે આ ભૂમિના લોકો માટે અથાક મહેનત કરી છે." તેમણે પાર્ટીની વિચારધારાને પેરિયાર અને ડો. બી.આર. આંબેડકરના સિદ્ધાંતો સાથે જોડીને સામાજિક સમાનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

વિજયની પાર્ટી મહિલાઓ માટે વિશેષ આદર ધરાવે છે અને તમિલનાડુના ઈતિહાસમાં પ્રથમ મહિલા યોદ્ધા વેલુ નાચિયાર અને સામાજિક કાર્યકર અઝલાઈ અમ્મલને વૈચારિક પ્રણેતા માને છે. વિજયે કહ્યું કે, તેમની પાર્ટી તમિલનાડુમાં મહિલાઓના નેતૃત્વને સમર્થન આપનારી પ્રથમ પાર્ટી છે.