S&Pએ FY 23 માટે ભારતના આર્થિક વિકાસનો અંદાજ ઘટાડીને 7 ટકા કર્યો

November 29, 2022

ગ્લોબલ રેટિંગ એજન્સી S&P દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતનાં આર્થિક વિકાસ દરનાં અંદાજને ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે. અલબત્ત સ્વદેશી માંગમાં સતત થઈ રહેલા વધારાને કારણે ઈકોનોમી મજબૂત થઈ રહી છે. જેને કારણે ગ્લોબલ મંદીની તેને ઓછી અસર થશે. S&Pએ સપ્ટેમ્બરમાં વર્ષ 2022-23 માટે ભારતીય અર્થતંત્રનો ગ્રોથ રેટ 7.3 ટકા અંદાજ્યો હતો

આગામી નાણાકીય વર્ષ 2023-24 માટેનો ગ્રોથ રેટ 6.5 ટકા અંદાજવામાં આવ્યો હતો. S&P નાં એશિયા પેસિફિક ચીફ ઈકોનોમિસ્ટ લુઈસ કુઈજસે કહ્યું હતું કે, ભારતનાં ઉદ્યોગોનો ઉત્પાદન રેટ 2022-23માં 7 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 6 ટકા રહેશે. 2021માં ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ 8.5 ટકા રહ્યો હતો. કોરોના પછી દેશમાં ચીજવસ્તુઓની માંગમાં વધારો થયો છે જેને કારણે આવતા વર્ષે ગ્રોથમાં વધારો શક્ય બનશે.

S&P દ્વારા આ વર્ષે ફુગાવાનો દર 6.8 ટકા રહેવાનો અંદાજ રજૂ કરાયો છે. આરબીઆઈ દ્વારા તેને માર્ચ 2023 સુધીમાં 6.25 ટકા રાખવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ભાવ વધારો અને ફુગાવાને કાબૂમાં રાખવા આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં 1.9 ટકાનો વધારો કરાયો છે જે 5.9 ટકાનાં દર સાથે 3 વર્ષની ટોચે છે. ઓક્ટોબરમાં ગ્રાહક ભાવ આધારિત રિટેલ ફુગાવો 6.7 ટકા રહ્યો હતો જે 3 મહિનાની નીચી સપાટીએ હતો.