નીટ રદ કરવા અને સીબીઆઈ તપાસની માંગ સાથે વિદ્યાર્થીઓની સુપ્રીમમાં પહોંચ્યા

June 15, 2024

નવી દિલ્હી : નીટ-યુજી ૨૦૨૪માં પેપર લીકના આક્ષેપો કરવાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંગઠનોએ નીટ રદ કરવાની અને પેપર લીક મુદ્દે સીબીઆઈ તપાસની માગ કરતા સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ હાઈકોર્ટોમાં અરજીઓ કરી છે. આ અરજીઓના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એનટીએને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. બીજીબાજુ નીટ અંગેની અરજીઓ વિવિધ હાઈકોર્ટોમાંથી સુપ્રીમમાં ટ્રાન્સફર કરવા માટે એનટીએએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. નીટ-યુજી ૨૦૨૪ની પરીક્ષાના આયોજનમાં પેપર લીક અને ગેરરીતિઓના કથિત કેસોની સીબીઆઈ તપાસની માગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને પરીક્ષા યોજનાર સંસ્થા એનટીએને બે સપ્તાહમાં જવાબ આપવા નોટિસ પાઠવી હતી. ન્યાયાધીશો વિક્રમનાથ અને સંદીપ મહેતાની વેકેશન બેન્ચે નીટ સંબંધીત બધી જ અરજીઓને એક સાથે જોડી દીધી છે. આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં વેકેશન પૂરું થયા પછી ૮ બેન્ચે સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં સુનાવણી સમયે અરજદારીઓના વકીલે કોટામાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવાતા ન્યાયાધીશ વિક્રમનાથે તેમની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, અહીં બિનજરૂરી ભાવનાત્મક દલીલો ના કરશો. કોટામાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીને નીટ-યુજી ૨૦૨૪ના પરિણામો સાથે કોઈ સંબંધ નથી. વકીલે દાવો કર્યો કે, આ ૨૪ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. અન્ય એક વકીલે કહ્યું કે, એનટીએએ હકીકતો છુપાવીને ગુરુવારે ૧૫૬૩ વિદ્યાર્થીઓની પુન: પરીક્ષાનો આદેશ મેળવી લીધો છે. હકીકતમાં એનટીએના પ્રવેશ મુજબ ૧૫૬૩માંથી ૭૯૦ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા પાસ કરી છે અને ૭૭૩ વિદ્યાર્થી ગ્રેસ માર્ક્સ મેળવ્યા પછી પણ અયોગ્ય હતા. આ સંદર્ભમાં ન્યાયાધીશ મહેતાએ વકીલને આદેશ સામે તેમના વાંધા નોંધાવવા કહ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કાઉન્સેલિંગ પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં અરજદારોએ દાવો કર્યો છે કે નીટ-યુજી ૨૦૨૪માં અનેક ગેરરીતિઓ થઈ છે અને પેપર લીક થયા છે. તેમણે ઓડિશા, કર્ણાટક અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતના ગોધરામાં સ્પેશિયલ સેન્ટર પસંદ કરવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. આ સેન્ટર પર અન્ય રાજ્યોના ૧૬ વિદ્યાર્થીઓએ કથિત રીતે નીટ પાસ કરવા ૧૦-૧૦ લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.