કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા સસ્પેન્ડ : ભારતની ત્રીજી મોટી કાર્યવાહી

September 21, 2023

ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે. ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર બીએલએસ ઈન્ટરનેશનલે આ માહિતી આપી હતી. આગામી નોટિસ સુધી આ વિઝા સર્વિસ બંધ રહેશે તેવી માહિતી અપાઈ છે.મહત્ત્વનું છે કે અગાઉ ભારત સરકાર દ્વારા કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા હતા.  ત્યારબાદ ભારત સરકારે કેનેડામાં વસતાં ભારતીયો માટે એડવાઈઝરી પણ જાહેર કરી હતી. હવે આ ત્રીજી મોટી કાર્યવાહી કરતાં ભારત સરકારે કેનેડામાં વિઝા સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય આગામી નિર્ણય સુધી લાગુ રહેશે. તેના હવે કેવા પડઘા પડશે તે અંગે જોવાનું રહ્યું. વિઝા કન્સલ્ટન્સી ફર્મના અહેવાલ અનુસાર, એક મહત્ત્વની નોટિસ  જાહેર કરાઇ છે. તેમાં જણાવાયું છે કે આ નિર્ણય ઓપરેશનલ કારણોસર લેવાયો છે. તેમાં જણાવાયું છે કે ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર (21 સપ્ટેમ્બર 2023) થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.