પાકિસ્તાની જેલમાં 26/11 હુમલામાં સામેલ આતંકવાદીનું મોત

May 30, 2023

લાહોર  : 2008ના મુંબઈ આતંકી હુમલાના પ્લાનિંગમાં સામેલ અબ્દુલ સલામ ભુટ્ટાવીનું પાકિસ્તાનની જેલમાં હાર્ટ-એટેકથી મોત થયું છે. તે ટેરર ફંડિંગ કેસમાં જેલની સજા ભોગવી રહ્યો હતો. 2020માં તેને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના સાળા અબ્દુલ રહેમાન મક્કીની સાથે સાડા 16 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ભારતની ગુપ્તચર એજન્સીઓએ પણ ભુટ્ટાવીના મૃત્યુની પુષ્ટિ કરી છે.

ભુટ્ટાવીનું સોમવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની શેખપુરા જેલમાં મોત થયું. તેના અંતિમસંસ્કાર મંગળવારે લાહોરમાં કરવામાં આવ્યા છે. 2011માં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે પણ ભુટ્ટાવી પર પ્રતિબંધો લાદ્યા હતા, તેના પર આતંકવાદી હુમલાઓ માટે ફંડ એકઠું કરવાનો અને આતંકવાદીઓની ભરતી કરવાનો આરોપ હતો. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું- ભુટ્ટાવીએ પોતાનાં ભાષણો અને ફતવા જારી કરીને આતંકવાદીઓને મુંબઈ પર હુમલો કરવા માટે તૈયાર કર્યા હતા.

2012માં યુએન સુરક્ષા પરિષદે ભુટ્ટાવીને આતંકવાદી જાહેર કર્યો હતો. 2002-2008 વચ્ચે, જ્યારે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદને પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યો હતો ત્યારે ભુટ્ટાવીને આતંકવાદી સંગઠનનો વડા બનાવવામાં આવ્યો હતો. એ જ સમયે 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. એને 10 આતંકવાદીએ એકસાથે અંજામ આપ્યો હતો. આ હુમલામાં 166 લોકોનાં મોત થયાં હતાં. મૃત્યુ પામનારાઓમાં અમેરિકા અને બ્રિટનના નાગરિકો પણ સામેલ હતા.

26 નવેમ્બર 2008ની રાત્રે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદી કોલાબાના દરિયા કિનારેથી બોટ મારફત ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓ સંપૂર્ણ સશસ્ત્ર હતા. અહીંથી આ તમામ આતંકવાદીઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા અને અલગ-અલગ દિશામાં આગળ વધ્યા.