દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં મત આપનાર 101 વર્ષની આ વ્યક્તિ 7મીએ ગુજરાતમાં કરશે મતદાન

April 21, 2024

મતદાનમાં ઉદાસીનતા દાખવીએ તો ત્યારબાદ આપણને બોલવાનો કોઇ અધિકાર નથી

વડોદરા- વડોદરાની લોકસભા બેઠક તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક પર પ્રથમવાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓ ઉપરાંત શતાયુ મતદારો પણ ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉત્સાહિત છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કારવણ ગામના ૧૦૧ વર્ષના મતદાર કેસુરભાઈ પ્રભુદાસ પટેલે યુવાનોને મતદાન માટેની ખાસ અપીલ કરતા કહ્યું કે, આપણે સરપંચ, ધારાસભ્ય, સાંસદ કે સરકારે શું કરવું જોઈએ? તેની સરળતાથી શીખ આપી દઈએ છીએ. પણ મત આપવાનો વારો આવે ત્યારે ઉદાસીનતા દાખવીએ છીએ, તો પછી આપણને બોલવાનો અધિકાર નથી. 
૧૯૫૧માં પહેલી લોકસભાથી મતદાન કરતા શતાયુ મતદાર કેસુરભાઈ પટેલે સ્વતંત્રતા બાદ યોજાયેલી ભારતની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે. આ વખતે પણ તેઓ સાતમી તારીખે મતદાન કરવા જશે. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે.