પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી

July 15, 2025

સુરત : સુરતના કતારગામમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યાં ટ્યૂશનમાં ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ વિકૃત યુવક દ્વારા કરવામાં બ્લેકમેલિંગથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. શિક્ષિકાના આપઘાતની માહિતી મળતાની સાથે જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આ મામલે તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, સુરતના કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, એક વિકૃત યુવક આ પાટીદાર યુવતીને પરેશાન કરતો હતો અને કોઇક કારણોસર બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતો હતો. આ બ્લેકમેલિંગથી કંટાળીને શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. જોકે, હજુ સુધી એ સામે નથી આવ્યું કે, આ યુવક કોણ છે અને તેને કઈ બાબતે બ્લેકમેલ કરતો હતો. 

આ મુદ્દે સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી માટે પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો અને શિક્ષિકાને વિકૃત યુવક દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ, પોલીસે આ બાબતને ધ્યાને લઈ તપાસ હાથ ધરી છે. આ સિવાય યુવતી દ્વારા કોઈ સુસાઇડ નોટ કે વીડિયો બનાવ્યો છે કે કેમ તે વિશે પણ શોધખોળ ચાલી રહી છે.