વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સુપરસ્ટારની એક ઝલક મેળવવા પ્રશંસકો આતુર, એરપોર્ટ પર ભીડ જામી

December 13, 2025

વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસી શુક્રવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા. તેમના આગમનને લઈને નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હજારોની સંખ્યામાં પ્રશંસકો ઉમટી પડ્યા હતા. મેસીની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો પહેલાંથી એરપોર્ટ બહાર એકત્ર થઈ ગયા હતા. ભારત માટે મેસીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ લગભગ 14 વર્ષ બાદ ફરી એકવાર ભારતીય ધરતી પર આવ્યા છે.

મેસીનું વિમાન રાત્રે આશરે 2:26 વાગ્યે કોલકાતામાં ઉતર્યું. ઠંડી હોવા છતાં પ્રશંસકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. ‘મેસી-મેસી’ના નારાઓ, તાળીઓ અને શોરગુલથી આખું એરપોર્ટ ગુંજી ઉઠ્યુ. ઘણા ચાહકો આર્જેન્ટિનાનો ધ્વજ, મેસીની જર્સી અને બેનરો લઈને આવ્યા હતા. કેટલાક લોકો તો માત્ર એક ઝલક જોવા માટે આખી રાત જાગ્યા હતા.

ભારે સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે મેસીને VIP માર્ગથી બહાર લઈ જવાયા, છતાં ચાહકોનો ઉત્સાહ કાબૂમાં રહ્યો નહોતો. બાળકોને ખભા પર બેસાડી ફોટા ખેંચવાની કોશિશ, મોબાઇલ કેમેરાની ફ્લેશ અને ઉત્સાહભર્યું વાતાવરણ એક ઉત્સવ જેવી લાગણી ઉભી કરી રહ્યું હતું. સુરક્ષા કર્મીઓએ ભીડને સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.