સુરતમાં દુષ્કર્મના કેસમાં કોર્ટે જૈન મુનિને દોષિત જાહેર કર્યા

April 04, 2025

સુરત : ગુજરાતમાં વર્ષ 2017માં દુષ્કર્મના આરોપી જૈન મુનિને આજે શુક્રવારે (4 એપ્રિલ, 2025) સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જ્યારે આવતીકાલે શનિવારે આરોપીના સંભવત સજા જાહેર થવાની શક્યતા છે. 8 વર્ષ પહેલાં વડોદરાની યુવતીએ જૈન મુનિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.  


મળતી માહિતી મુજબ, સુરતના ટીમલીયાવાડ ખાતે આવેલા જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિના બહાને વર્ષ 2017માં શાંતિસાગર નામના જૈન મુનિએ વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે યુવતીએ તે વખતે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં જૈન મુનિ વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે દુષ્કર્મના આરોપી શાંતિસાગરની ધરપકડ કરી હતી. 
સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં વડોદરાની શ્રાવિકા યુવતીએ દિગંબર જૈન સમાજના મુનિ શાંતિસાગર મહારાજ સામે ધાર્મિક વિધિના બહાને દુષ્કર્મ આચરવા અંગે આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી. આ કેસમાં પોલીસે શાંતિસાગર મુનિની ધરપકડ કરીને લાજપોર સેન્ટ્રલ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. લાંબા સમયથી આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી જૈન મુનિ સામે પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધી હોવા છતાં એકથી વધુ વાર સુરતની ઉચ્ચતમ અદાલતોમાંથી જામીન મેળવવા માટે આરોપીના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જ્યારે આરોપીને સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.