ગુજરાતમાં બીનખેતી જમીનની પ્રક્રિયા કરાઈ સરળ, 10 દિવસમાં NA મળશે, નવી-અવિભાજ્ય જમીનો જૂની શરતની ગણાશે

April 08, 2025

રાજ્ય સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં બીનખેતી જમીનની પ્રક્રિયા કરાઈ સરળ બનાવાઈ છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. તો ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં જ એન.એ. મળશે. આ સાથે ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહી પણ વધુ સરળ બનાવાઈ છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 'રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા  હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બીનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે. આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે.'