દુનિયાની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન, બ્રાઝીલી નને 116 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

May 02, 2025

દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ સિસ્ટર ઇનાહ કૈનાબારોનું 116 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેઓ કેટલાક અઠવાડિયામાં 117 વર્ષના થવાના હતા. તેમનું મોત 30 એપ્રિલે થયું હતું. તેમના ધાર્મિક સંગઠને ગુરૂવારે મોતની પુષ્ટિ કરી હતી. ટેરેસિયન નન સમુદાય 'ધ કંપની ઓફ સેન્ટ ટેરેસા ઑફ જીસસ'એ જણાવ્યું કે, સિસ્ટર કાનાબારોનું નિધન કુદરતી કારણોથી તેમના ઘરે થયું. તેમના અંતિમ દર્શન ગુરૂવારે પોર્ટો એલેગ્રેમાં કરાશે.

દુનિયાભરના સુપર સેન્ટીનેરિયનો (100 વર્ષથી વધુની ઉંમરના લોકો) પર નજર રાખનારી સંસ્થા લોન્જેવીક્વેસ્ટે જાન્યુઆરીમાં તેમને દુનિયાના સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ જાહેર કર્યા હતા. તેમનો જન્મ 1908માં થયો હતો અને તેઓ 27 મેના રોજ 117 વર્ષના થવાના હતા.