દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ્યું- 'મારે કેબિનેટ મંત્રી પદ છોડવું પડશે'

January 22, 2025

બિહારમાં NDAના સહયોગી જીતન રામ માંઝી દિલ્હી અને ઝારખંડમાં પોતાની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોર્ચા (HAM)ને કોઈ બેઠક ન આપવા અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને મહત્ત્વ આપવાથી નારાજ જણાઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ભાજપે લોજપાને ઝારખંડમાં એક બેઠક આપી હતી અને દિલ્હીમાં પણ ચિરાગની પાર્ટી દેવલી બેઠક પર ચૂંટણી લડી રહી છે.

HAM પ્રમુખ જીતન રામ માંઝીએ મુંગેરના જમાલપુરમાં પાર્ટીના જિલ્લા સ્તરના કાર્યકર્તા સંમેલમાં કેટલીક એવી વાતો કરી, જેનાથી બિહારમાં વિપક્ષી ગઠબંધનને કટાક્ષ કરવાનો મોકો મળ્યો. જીતન રામ માંઝીએ રામચરિતમાનસની ચોપાઈનો એક અંશ 'ભય બિનુ હોય ન પ્રીત...' નો ઉલ્લેખ કરતા મોદી સરકારની કેબિનેટમાંથી રાજીનામું આપી દેવા સુધીની ધમકી આપી દીધી

કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે, 'જ્યારે અમારા કાર્યક્રમમાં ભીડ આવી રહી છે, જનમાનસ અમારું છે, મતદાર અમને મત આપવા માટે તૈયાર છે તો પછી બેઠક શા માટે નથી મળી? મારો એક જ પ્રશ્ન છે. અમે એવી વિનંતી કરવા માંગતા નથી કે અમને આટલી બધી બેઠકો આપવામાં આવે, પરંતુ અમે કહીએ છીએ કે અમારા અસ્તિત્વના આધારે અમને બેઠકો આપો. અમને કોઈ ફાયદો નથી. હું આ તમારા (લોકોના) ભલા માટે કહી રહ્યો છું. લાગે છે કે મારે કેન્દ્રીય મંત્રી પદ છોડવું પડશે.'

બે દિવસ પહેલા જહાનાબાદમાં ભુઈયાં-મુસહર સંમેલનને સંબોધિત કરતા માંઝીએ કહ્યું હતું કે, 'NDAમાં તેમની ઉપેક્ષા કરાઈ રહી છે. ઝારખંડમાં ચૂંટણી લડવા માટે એક પણ બેઠક ન આપવામાં આવી અને દિલ્હીમાં પણ એવું જ થઈ રહ્યું છે. ઝારખંડ અને દિલ્હી ચૂંટણીમાં ઓકાત જોઈને લોકોને ટિકિટ આપવામાં આવી. કહે છે કે, અમે એક પણ બેઠક માગી ન હતી, એટલા માટે નથી આપી. બિહારમાં મુસહર અને ભુઇયાં સમાજની વસ્તીને જોતા તેમની રાજનીતિક શક્તિને અવગણી ન શકાય. હવે બિહારમાં અમે પોતાની ઓકાત બતાવીશું.

હિન્દુસ્તાની આવામ મોર્ચાના પ્રમુખે કહ્યું કે, 'ઝારખંડ અને દિલ્હી ચૂંટણીમાં અમારી પાર્ટીને બે-ત્રણ બેઠકો પણ મળી હોત તો સારું પ્રદર્શન કરી શક્યા હોત. બિહારમાં અમારી પાર્ટીનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. 2025માં પણ અમે એવું જ પ્રદર્શન કરીશું. ઝારખંડ અને દિલ્હીમાં એક પણ બેઠક ન મળવી અમને દગો આપવા સમાન છે. પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ દગો નહીં ચાલવા દઈએ. અમારા કાર્યકર્તા 40 બેઠકો માગી રહ્યા છે, જેથી 20 બેઠક જીતી શકીએ. જો અમે આટલી બેઠક જીતીએ છીએ તો બિહારમાં HAM પોતાની નીતિના હિસાબથી કામ કરવા લાગશે.'