સોમવારે સંસદમાં 'વન નેશન વન ઈલેક્શન' બિલ રજૂ કરશે સરકાર, ચર્ચા માટે JPCમાં મોકલવાની તૈયારી

December 14, 2024

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે લોકસભામાં  'વન નેશન વન ઈલેક્શન' (one nation one election) બિલ રજૂ કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, આ બિલને ચર્ચા માટે JPC પાસે મોકલવામાં આવશે. લાંબી ચર્ચા અને સર્વસંમતિ માટે સરકાર આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલશે. JPC તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે. દેશમાં હાલમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારી છે. જો કે, સરકારના આ પગલાનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી ઘણી I.N.D.I.A. બ્લોકની પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તારુઢ પાર્ટીને ફાયદો થશે. નીતિશ કુમારની JDU અને ચિરાગ પાસવાન જેવા પ્રમુખ NDA સહયોગીઓએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. 'વન નેશન વન ઈલેક્શન'ને વારંવાર ચૂંટણીઓ સાથે જોડાયેલી ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવી રહ્યું છે. 'વન નેશન વન ઈલેક્શન' પર વિચારણા માટે બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ જણાવ્યું કે, આ પ્રસ્તાવને લઈને 32 રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું છે, જ્યારે 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી. રામનાથ કોવિંદે ઓક્ટોબરમાં 7મા લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન કહ્યું હતું કે, વિરોધ કરનારી 15 પાર્ટીઓમાંથી કેટલીક પાર્ટીઓએ  'વન નેશન વન ઈલેક્શન'ના વિચારનું સમર્થન કર્યું હતું.