શાહરુખ અને સુહાનાની 'કિંગ'નું શૂટિંગ આગામી મે માસથી શરૂ થશે

February 28, 2024

મુંબઇ : શાહરુખ ખાન અને સુહાનાની ફિલ્મ 'કિંગ' પડતી મુકાઈ હોવાના અહેવાલો હતા. જોકે, હવે એક દાવા અનુસાર આ ફિલ્મનું શૂટિંગ આવતા મે માસથી શરુ થઈ રહ્યું છે. આ ફિલ્મ મુખ્યત્વે સુહાનાની ભૂમિકા પર કેન્દ્રિત છે. જોકે, શાહરુખ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનું પ્રિ પ્રોડક્શન વર્ક પૂર્ણ થઈ  ચૂક્યું છે. ફિલ્મમાં કેટલાંક સ્ટન્ટ દૃશ્યો હોવાથી હાલ સુહાના તે માટે તાલીમ લઈ રહી છે.  સુહાનાને ઘરે બેઠા તાલીમ આપવા માટે જ શાહરુખે કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના ઈન્સ્ટ્રક્ટર્સ બોલાવ્યા હોવાનું જાણવા મળે છે. 
આ ફિલ્મનું દિગ્દર્શન સુજોય ઘોષ કરશે. જોકે, ફિલ્મમાં સહ નિર્માતા તરીકે એક્શન ફિલ્મોના માસ્ટર ગણાતા સિદ્ધાર્થ આનંદ પણ છે. અગાઉ એવા અહેવાલો હતા કે 'આર્ચીઝ' ફિલ્મમાં સુહાનાની એક્ટિંગની બહુ ટીકાઓ થયા બાદ શાહરુખ ખાને આ ફિલ્મ પડતી મુકી દીધી હતી. તેણે સુહાનાને તેની એક્ટિંગ સ્કિલ્સ અને ડાયલોગ ડિલિવરી સુધારવા માટે જણાવ્યું હતું. શાહરુખ ખાન 'પઠાણ ટૂ'નું શૂટિંગ શરુ કરે તે પહેલાં 'કિંગ'માં પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી દેશે. ફિલ્મના અન્ય કલાકારો કોણ કોણ છે તેની વિગતો હજુ  પ્રગટ કરાઈ નથી.