શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, 6 દિવસમાં રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા

October 26, 2023

ગુરુવારે સવારે 11 વાગ્યા સુધીમાં બીએસઈના સેન્સેક્સમાં 780 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે નિફ્ટીમાં 242 પોઇન્ટનો મોટો કડાકો બોલાઈ જતાં બજારની હાલત દયનીય થઈ ગઈ છે. સેન્સેક્સ (Sensex) હાલના સમયે 63250 તથા નિફ્ટી 18868ની (Nifty) આજુબાજુ ટ્રેડ કરી રહી હતી. એટલે કે સેન્સેક્સમાં 1.30 અને નિફ્ટીમાં 1.34 ટકાનો કડાકો બોલાઈ ચૂક્યો છે. 

એક તરફ ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે  વિશ્વભરનું ધ્યાન તેની તરફ જ છે ત્યારે શેરબજારમાં પણ તેની અસર દેખાઇ રહી છે. સતત છઠ્ઠા દિવસે શેરબજાર માં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. અત્યાર સુધીમાં છેલ્લાં 6 દિવસોની સ્થિતિ પર નજર કરશો તો રોકાણકારોના લગભગ 20 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. 

માર્કેટમાં મિડકેપ અને સ્મોકલકેપ શેરોની સ્થિતિ પણ દયનીય થઈ ચૂકી છે. નિફ્ટી મિડકેપ 100માં 1.88 ટકા અને સ્મોલકેપમાં 2.57 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. ગુરુવારે શરૂઆતના કડાકા બાદ રોકાણકારોની સંપત્તિ એકઝાટકે 5 લાખ કરોડ રૂપિયા સુધી ધોવાઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત બુધવારના કારોબારી સત્ર દરમિયન BSE લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 309.22 લાખ કરોડ રૂપિયા હતી જે સમાચાર લખવા સુધી 5.54 લાખ કરોડ રૂપિયા ગગડીને 303.68 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.