સુરતમાં માતાએ ફોન ન આપતા વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

January 05, 2025

સુરત : સુરતમાં વધુ એક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતા-પિતાએ મોબાઈલ વારંવાર જોવાની ના પાડી ઠપકો આપતા લાગી આવતા ધોરણ 8 અભ્યાસ વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી. મોબાઈલ વગર કોઈપણ કામ કરતી ન હતી. જેને લઈને માતા-પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મોબાઈલ નહીં ચલાવવા બાબતે લાગી આવતા દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવેશમાં આવી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ આપઘાતની ઘટનાને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ કોઈ પણ કડક અમલ કરવો પડશે.'