અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર, કહ્યું- પાયલટનો વાંક કાઢવો કમનસીબી

September 22, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ રિપોર્ટ લીક થવા મામલે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તપાસ રિપોર્ટ લીક થયા બાદ કેટલાક મીડિયા અહેવાલમાં પાયલટનો વાંક કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઘટનામાં પાયલટનો વાંક કાઢવો કમનસીબી કહેવાય. જે બાદ હવે સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટ સીધી જ નજર રાખશે.  સુપ્રીમ કોર્ટે મૌખિક ધોરણે નોંધ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી આવશ્યક છે. ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટમાં 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનું નિરીક્ષણ કરવા માટે સ્વતંત્ર કોર્ટની માગણી કરતી અપીલ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 260 લોકો માર્યા ગયા હતા. જેની સુનાવણી જસ્ટિસ સુર્યકાંત અને એન. કોટિશ્વરસિંહ કરી રહ્યા હતાં.  ઓગસ્ટમાં, જસ્ટિસ કાંતની આગેવાની હેઠળની બેન્ચે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયાની સલામતી તપાસ, જાળવણી પ્રક્રિયાઓ વગેરેની સ્વતંત્ર તપાસની માંગ કરતી PIL ફગાવી હતી. અરજી પાછી ખેંચી લેવામાં આવી હોવાથી અરજી ફગાવી દેવામાં આવી હતી, જો કે, અરજદારને યોગ્ય સમયે યોગ્ય અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની ભયાનક દુર્ઘટનામાં 260થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ઘટના માત્ર એક દુર્ઘટના નહોતી, પરંતુ સુરક્ષા પ્રણાલીઓમાં રહેલી ખામીઓનો ચોંકાવનારો પુરાવો હતો, જેને લીધે મૃતકોના પરિવારોએ હવે અમેરિકા સ્થિત વિમાન નિર્માતા કંપની ‘બોઇંગ’ અને વિમાનના પાર્ટ્સ બનાવતી કંપની ‘હનીવેલ’ સામે કેસ દાખલ કર્યો છે. આ કેસ ફક્ત નાણાકીય વળતર માટે નથી કરાયો, પણ કંપનીઓને તેમની જવાબદારીનું ભાન થાય અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને એ માટેનો છે. પરિવારોના દાવા અનુસાર વિમાનના ઇંધણ સ્વીચોમાં ખામી રહેલી હતી. પ્રારંભિક તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, સ્વીચ ‘રન’થી ‘કટ-ઓફ’ સ્થિતિમાં ખસી જતાં એન્જિનને જરૂરી ઇંધણ મળ્યું નહીં. પરિણામે વિમાનને મળતો થ્રસ્ટ બંધ થઈ ગયો અને વિમાન ધરાશાયી થઈ ગયું. આમ વિમાનની ડિઝાઇનમાં રહેલી ખામીને લીધે આ ઘાતક દુર્ઘટના સર્જાઈ હતી.