અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ નહીં વસૂલાય

July 15, 2025

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા હતાં. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ રસ્તા અંગે લોકોમાં રોષ ફેલાતા મુખ્યમંત્રીએ તાત્કાલિક સમારકામ કરવા માટે આદેશ કર્યો હતો. રાજ્યમાં ભારત માલા પ્રોજેક્ટ અને અમૃતસર જામનગર એક્સપ્રેસ વે સહિતના મોટા હાઈવે પર રોડ તૂટી ગયા હતા. આ રોડની હાલમાં રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ છે. જેન કારણે નેશનલ હાઈવે ઓથોરિટીએ અમૃતસર જામનગર એક્સપ્રેસ વેના 28 કિ.મી સ્ટ્રેચમાં આજથી ટોલ નહીં વસૂલવા નિર્ણય લીધો છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.