રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું

September 22, 2025

નવી દિલ્હી: દેશભરના તમામ રાજ્યોનું દેવું દસકામાં ત્રણગણુ વધીને ૬૦ લાખ કરોડે પહોંચવા આવ્યું છે. આ ચિંતાજનક આંકડા કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગના રિપોર્ટમાં સામે આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન ૨૮ રાજ્યોનું દેવુ ૧૭.૫૭ લાખ કરોડ રૂપિયા હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૫૯.૬૦ લાખ કરોડે પહોંચી ગયું છે. એટલે કે એક દસકામાં રાજ્યોનું દેવું ૩.૩ ગણુ વધ્યું છે.  જ્યારે રાજ્યોની નાણાકીય સ્થિતિ અંગેના કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે કે પગાર, પેન્શન વગેરે પાછળ વિવિધ રાજ્યોની સરકારો દ્વારા કરાતા ખર્ચનું પ્રમાણ ૧૦ વર્ષમાં અઢીગણુ વધી ગયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન આ આંકડો ૬.૨૬ લાખ કરોડનો હતો જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૧૫.૬૩ લાખ કરોડે પહોંચી ગયો. રાજ્યોના દેવા અને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે રાજ્યોના જીડીપીની સરખામણી પણ કરવામાં આવી છે. જે  મુજબ દેવુ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં રાજ્યોના કુલ જીડીપીના ૧૬.૬૬ ટકા હતું જે ૨૦૨૨-૨૩ દરમિયાન વધીને ૨૩ ટકાએ પહોંચી ગયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ આંકડા કેગ સંજય મુર્તીની રાજ્યોના નાણા સચિવો સાથેની કોન્ફરંસ દરમિયાન જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યો પર નજર કરીએ તો ભારે પૂરના મારનો સામનો કરી રહેલું પંજાબ દેવામાં દેશમાં ટોચના સ્થાને છે. જ્યારે ઓડિશા પર સૌથી ઓછુ દેવું છે. ૧૧ રાજ્યો એવા છે કે જેણે પોતાના ખર્ચા પુરા કરવા માટે ઉધાર લીધેલા નાણાનો ઉપયોગ કર્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંત સુધીમાં પંજાબનું દેવું તેના જીડીપીના ૪૦.૩૫ ટકા હતું. જે બાદ નાગાલેન્ડ ૩૭.૧૫ ટકા, પશ્ચિમ બંગાળ ૩૩.૭૦ ટકા સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. જ્યારે ગુજરાતમાં જીડીપીની સરખામણીએ ૧૬.૩૭ ટકા, મહારાષ્ટ્રમાં ૧૪.૬૪ ટકા, ઓડિશામાં ૮.૪૫ ટકા દેવું હોવાનું સામે આવ્યું છે. દેવામાં મુખ્યત્વે આરબીઆઇ, એસબીઆઇ અને અન્ય બેન્કો પાસેથી લીધેલી લોન, એલઆઇસી, નાબાર્ડ જેવી નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલા ઉધાર નાણા વગેરેનો સમાવેશ થાય છે.